Vadodara,તા.13
વડોદરા જિલ્લામાં તલાટીઓ દ્વારા મહેસૂલી કામગીરીના કરાયેલા બહિષ્કારનો હજી સુધી કોઇ વિકલ્પ નહિ અપાતાં સવા મહિનાથી ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે.
રાજ્યના તલાટીઓ દ્વારા બઢતી અને જોબચાર્ટ સહિતની માગણીઓ નહિ સંતોષાતાં તલાટીઓએ સવા મહિના પહેલાં પેઢીનામા, વારસાઇ,આવાસ યોજના,સમાજ કલ્યાણની યોજનાઓ,આધાર કાર્ડ વેરિફિકેશન,બિન ખેતીની વસૂલાત,પાક સર્વે જેવી કામગીરીનો બહિષ્કાર કર્યો છે.
વડોદરા જિલ્લાની ૫૪૦ ગ્રામ પંચાયતોમાં ૩૦૦થી વધુ તલાટીઓએ ઉપરોક્ત કામગીરી બંધ કરતાં ખેતીના સમયે જ ખેડૂતોને આવી કામગીરી માટે ધક્કા ખાવાનો વખત આવ્યો છે.તો બીજીતરફ તલાટીઓનું કહેવું છે કે,અમે લાંબા સમયથી આવી કામગીરી સંભાળી રહ્યા હતા.પરંતુ કામગીરીનું ભારણ સતત વધતું જતું હોવાથી ન છૂટકે બહિષ્કાર કરવામાં આવી છે.
વડોદરા જિલ્લા તલાટી મંડળના રાજ્યના પ્રતિનિધિ ભાવેક્ષાબેન પ્રજાપતિએ કહ્યું છે કે, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તલાટીઓ દ્વારા બંધ કરાયેલી કામગીરી મહેસૂલી તલાટીઓને સોંપવાના હુકમ કરવામાં આવ્યા છે.પરંતુ વડોદરામાં ૧૦૦ થી વધુ મહેસૂલી તલાટીઓ હોવા છતાં તેમને શા માટે કામગીરી સોંપાતી નથી તે અચરજ પમાડે તેવી વાત છે.

