Vadodara,તા.૧૨
વડોદરાના ઉંડેરા ખાતે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ૩૧ વર્ષીય પરિણીતા સીમાએ સાસરીયાઓના અસહ્ય ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલા મૃતકે પોતાના ડાબા પગ પર હિન્દીમાં સુસાઇડ નોટ લખી હતી કે, “મેં જા રહી હું દુનિયા સે, પતિ અપને ઘરવાલો કો ખુશ રખે, મેં સહન નહીં કર પાઈ.” પરિવારજનોના આક્ષેપ મુજબ, મે-૨૦૨૬માં પ્લોટ ખરીદવા માટે ૨ લાખ રૂપિયાના દહેજની માંગણી કરીને તેને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો. ઘટનાના એક દિવસ અગાઉ જ આરોપી પતિએ મૃતકના ભાઈને ફોન રિપેર કરાવી આપવા બાબતે જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલમાં મૃતકના ભાઈની ફરિયાદના આધારે વડોદરા પોલીસે પતિ સુનીરકુમાર, સાસુ અને સસરા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લગ્નના ત્રણ વર્ષમાં જ પ્લોટ ખરીદવા માટે પિયરમાંથી ૨ લાખ લાવવાનું કહી પતિ સહિત સાસરીયા ત્રાસ ગુજારતા હતા. આ ત્રાસથી કંટાળીને ઉંડેરાની રિલાયન્સ ટાઉનશિપમાં સીમાબેને પોતાની ૮ મહિનાની બાળકીને પડોશીને સોંપી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડાતા તબીબો અને પોલીસને સીમાના ડાબા પગ પર લખેલી નોટ મળી આવી હતી. તેમાં લખ્યું હતું કે ‘મેં જા રહી હું દુનિયા સે, પતિ અપને ઘરવાલો કો ખુશ રખે, મેં સહન નહીં કર પાઈ પિટાઈ.’ ત્યારે પતિ, સાસુ અને સસરા સામે પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
મૂળ ઉત્તરપ્રદેશના કાસકંજ ખાતે રહેતા અને એનટીપીસીમાં નોકરી કરતા અનિલકુમાર જાટવની બહેન સીમાના લગ્ન ૨૨ જૂન ૨૦૨૩ના રોજ સુધીરકુમાર અનેકસિંહ સાથે થયા હતા. સુધીર રિલાયન્સમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હોવાથી દંપતી વડોદરાના ઉંડેરા સ્થિત રિલાયન્સ ટાઉનશિપમાં રહેતું હતું. આ દંપતીને ૮ મહિનાની પુત્રી છે. ફરિયાદ મુજબ, મે-૨૦૨૬માં સુધીરે પ્લોટ ખરીદવાના બહાને પિયરમાંથી ૨ લાખ લાવવા દબાણ કર્યું હતું. સીમાના સસરા અનેકસિંહ અને સાસુ શીલાદેવી પણ પતિને ઉશ્કેરતા હતા. આ સિવાય અગાઉ પણ સુધીરે ૫૦ હજારની માંગણી કરી હતી. પિયરપક્ષ સાથે વાત ન થઈ શકે તે માટે પતિએ સીમાના ફોનમાં બધાના નંબર બ્લોક કરી દીધા હતા.
ઉત્તરપ્રદેશના કાસકંજમાં રહેતા અનિલકુમાર ધનપાલસિંહ જાટવ એનટીપીસી લી.માં નોકરી કરે છે. તેમની નાની બહેન સીમાના લગ્ન ૨૨, જૂન ૨૦૨૩માં હાથરસ જિલ્લાના સુધીરકુમાર અનેકસિંહ (રહે, રીલાયન્સ ટાઉનશીપ,ઉંડેરા) સાથે થયા હતા. જે સુધીર રીલાયન્સમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે, જેના કારણે તેઓ વડોદરામાં રહેવા આવ્યા હતા. તેમને એક ૮ મહિનાની દીકરી પણ છે.
મે-૨૦૨૬માં સુધીર કુમારે ફોન કરીને પ્લોટ ખરીદવા બે લાખ રુપિયાની માંગણી કરી હતી. જો કે તેમણે જુલાઈ સુધી રાહ જોવા કહ્યું હતું, પરંતુ સુધીરે સીમા સાથે વાત કરવા દીધી નહોતી. આ દરમિયાન સીમાએ અનિલને જણાવ્યું હતું કે, સસરા અનેકસિંહ અને સાસુ શીલાદેવી પતિને પિયરમાંથી રૂપિયા મગાવવા ઉશ્કેરે છે. પતિ પિયરમાંથી રુપિયા લાવવા માનસિક ત્રાસ આપતો હતો. આ અંગેની જાણ સીમાએ પોતાની માતા અને ભાભીને પણ કરી હતી. આપઘાતના એક દિવસ અગાઉ (૮ ઓગસ્ટ), બોલાચાલી દરમિયાન સુધીરનો ફોન તૂટી ગયો હતો. આથી તેણે સીમાના ભાઈને મેસેજ કરીને ધમકી આપી હતી કે, “તમારી બહેનને કહો કે મારો ફોન રિપેર કરાવી આપે, નહીં તો હું તેને જાનથી મારી નાખીશ.” ૯ ઓગસ્ટે સવારે સુધીર ફોન સમરાવવા બહાર ગયો ત્યારે સીમાબેને પોતાની ૮ મહિનાની બાળકીને પડોશીને સોંપીને કહ્યું હતું કે “હું રસોઈ બનાવું છું, ત્યાં સુધી પુત્રીને સાચવજો.” અડધા કલાક બાદ બાળકી રડવા લાગતા પડોશી નીચે આવ્યા ત્યારે સીમાબેન ઓઢણી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
મૃતકના ભાઈ અનિલકુમારની ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે એન્જિનિયર પતિ સુધીરકુમાર, સસરા અનેકસિંહ અને સાસુ શીલાદેવી વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણા (દહેજ ઉત્પીડન) નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

