New Delhi,તા.19
જીએસટીના હાલનાં ચાર સ્લેબને 5 ટકા અને 18 ટકાના બે સ્લેબમાં બદલવાની દરખાસ્ત યોગ્ય વિશ્લેષણ અને મૂલ્યાંકન બાદ લાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે, જીએસટીના દરોને રીકેન્ડ કરવા માટે છેલ્લાં ત્રણ વર્ષથી કામ ચાલી રહ્યું છે. તેનો હેતુ સામાન્ય લોકોને મોટી રાહત આપવાનો છે.
તાત્કાલિક નિર્ણય નહીં
બે સ્લેબ લાગું થયા બાદ રોજીંદા જીવનમાં વપરાતાં ખાદ્ય પદાર્થો અને વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે અને સામાન્ય લોકોનાં ખર્ચમાં ઘટાડો થશે. બે સ્લેબની દરખાસ્ત કરવા માટે એક ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ)ની રચના કરવામાં આવી છે, જેનાં અધ્યક્ષ વચ્ચે બદલાતાં રહ્યાં છે.
જો કે જીઓએમ જીએસટીનાં દરોને તર્કસંગત બનાવવા માટે નિયમિત ધોરણે કામ કરી રહ્યું હોવાથી જીએસટી સ્લેબમાં ફેરફારનો પ્રસ્તાવ તાત્કાલિક નિર્ણય પર આધારિત નથી. દરખાસ્ત કરતાં પહેલાં મહેસૂલી વસૂલાત, ઘટ, કરવેરાના દરોમાં ફેરફાર બાદ સામાન્ય માણસને મળતી રાહત અને અર્થતંત્રના દૃષ્ટિકોણનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
ચીજવસ્તુઓ અને સેવાઓ સસ્તી થશે
કેન્દ્ર સરકારનું કહેવું છે કે પરિવર્તનનો પ્રસ્તાવ મુખ્યત્વે ગરીબ-મધ્યમ વર્ગ અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)ને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે. આ અંતર્ગત દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે.
એટલું જ નહીં, લોકોની સારવાર કરવી પણ સસ્તી પડશે, કારણ કે ઘણા પ્રકારનાં મેડિકલ સાધનો પહેલાં કરતાં સસ્તા હશે, જે હજુ પણ 28 ટકાના સ્લેબમાં સામેલ છે તે ભવિષ્યમાં 18 ટકા અને 5 ટકાના સ્લેબમાં જશે. સામાન્ય માણસની જરૂરિયાતને લગતી 99 ટકા વસ્તુઓ 12 ટકાના બદલે 5 ટકાના ટેક્સ બ્રેકેટમાં આવશે.
તેનો ઉદ્દેશ દરેકને નોંધણીના દાયરામાં લાવવાનો છે
જીએસટીના દરોમાં ઘટાડા બાદ વાર્ષિક આવકમાં થયેલાં ઘટાડા અંગે કેન્દ્ર સરકારનું માનવું છે કે કોઇ મોટું નુકસાન નહીં થાય. હાલ મોટા ભાગની ચીજવસ્તુઓ અને સેવાઓનો સમાવેશ જીએસટી હેઠળ થાય છે. ભવિષ્યમાં બે મહત્વની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે, જેનાથી જીએસટી કલેક્શનને પણ વેગ મળશે.
સૌથી પહેલા દરેક બિઝનેસમેનને જીએસટી રજિસ્ટ્રેશનના દાયરામાં લાવવામાં આવશે. કારણ કે હવે જીએસટીના દર સંપૂર્ણ રીતે પ્રેક્ટિકલ થઈ જશે. બીજું, જીએસટી રિટર્ન અને રિફંડની પ્રક્રિયા સરળ બનશે ત્યારે વેપારીઓને સમયસર રિટર્ન ફાઇલ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આનાથી જીએસટી ચોરીને રોકવામાં મદદ મળશે.
સ્લેબમાં આ ફેરફાર થશે
સરકારે જીએસટી કાઉન્સિલ સાથે સંકળાયેલા જીઓએમમાં હાલનાં 5, 12, 18 અને 24 ટકાના દરોના સ્થાને બે ટેક્સ સ્લેબ – 5 ટકા અને 18 ટકા – લાગું કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 40 ટકાનો વિશેષ કર દર માત્ર પસંદગીની વસ્તુઓ માટે જ રહેશે, જેમાં પાન-મસાલા, તમાકુ, સિગારેટ સહિત પાંચથી સાત વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે.
લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે
જીએસટી રજિસ્ટ્રેશન, રિટર્ન અને રિફંડના સરળીકરણથી ઉદ્યોગ ક્ષેત્રને ફાયદો થશે, જેનાથી અર્થતંત્રને વેગ મળશે. એમએસએમઈ દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હાલની જીએસટી પ્રક્રિયામાં ઘણા સ્તરની સમસ્યાઓ છે, જે નિયમ પ્રક્રિયાને સરળ બનાવવાનો પ્રસ્તાવ છે. આનાથી દેશમાં વ્યવસાય અને ઉદ્યોગસાહસિકતાનું વાતાવરણ સુધરશે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે જીએસટીની સમગ્ર પ્રક્રિયા સરળ બનશે.