Vadodara,તા.19
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિશ્વામિત્રી પ્રોજેકટ માટે માનવ અધિકાર આયોગ દ્વારા રચિત સમિતિના સભ્યોની સમીક્ષા બેઠક યોજાઈ હતી. સમીક્ષા બેઠકમાં વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેકટ અંતર્ગત ડોક્યુમેન્ટેશન અને ફાઈનલ રીપોર્ટ માટે વરસાદી કાંસોના ડ્રેજિંગની માહિતી, વિશ્વામિત્રી નદી કાંઠા પ૨ પ્લાન્ટેશન, નદીમાં વસવાટ ક૨તા જળચર પ્રાણીઓ, મગરો તથા કાચબાઓનું સંરક્ષણ, નદી કાંઠા, વરસાદી કાંસો, કોતરોમાંથી બાંધકામના કાટમાળનો નિકાલ કરી આવા કાટમાળ ઠાલવતા લોકો સામે કડક પગલાં ભ૨વા તાકીદ કરવામાં આવી હતી.
એટલું જ નહીં તેઓ પાસેથી ભારે દંડ વસુલ ક૨વા સૂચના આપવામાં આવી હતી. વિશ્વામિત્રી પ્રોજેક્ટ સંદર્ભે હવે બીજા અને ત્રીજા તબક્કાનો વચગાળાનો રિપોર્ટ આવવાનો હોવાથી કોર કમિટીની મીટીંગમાં નદીમાં બાંધકામનો કાટમાળ ન નાખવામાં આવે તેમજ સંરક્ષણ દિવાલ બનાવવા અને ગ્રીન ટ્રીબ્યુનલના વિવિધ સ્પર્શતા મુદ્દાઓની પણ ચર્ચા થઈ હતી. નદીનો હજી ડ્રોન સર્વે કરવામાં આવશે અને કામગીરી સંદર્ભે સમિતિ ફિલ્ડ વિઝીટ કરવાની છે. નેશનલ હાઈવે ઓથોરિટી, બુલેટ ટ્રેન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે મુદ્દાઓ મુકાયા છે, તે અંગે ચર્ચા થઈ હતી.