આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં ૧૬ દેશોના રસી મેળવેલા અને નહિ મેળવેલા લોકોની સરખામણી કરાઈ હતી
New Delhi, તા.૨૦
એક નવા આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં જણાયું છે કે કોવિડ સંક્રમણ રક્તવાહિનીની વયને લગભગ પાંચ વર્ષ ઝડપી બનાવે છે જેના કારણે હૃદયરોગના હુમલા અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના જોખમમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. સંશોધકોને જણાયું છે કે કોવિડના હળવા કેસમાં પણ જેમને ક્યારેય કોવિડ ન થયો હોય તેની સરખામણીએ ધમનીઓ ઝડપથી જડ થઈ જાય છે જે રક્તવાહિનીઓના વૃદ્ધત્વનો મુખ્ય સંકેત છે.યુરોપિયન હાર્ટ જરનલમાં પ્રકાશિત થયેલા આ અધ્યયનમાં સપ્ટેમ્બર ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૨ દરમ્યાન ૧૬ દેશોના ૨૩૯૦ પ્રતિભાગીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એમાં જાણકારી મળી કે મહિલાઓ તેમજ શ્વાસની સમસ્યા જેવા લાંબો સમય સુધી કોવિડના લક્ષણોથી પીડિત વ્યક્તિઓમાં રક્તવાહિનીઓ વૃદ્ધ થવાની સમસ્યા વધુ સ્પષ્ટ હતી. યુનિવર્સિટી પેરિસ સિટીના પ્રોફેસરના જણાવ્યા મુજબ મહિલાઓમાં પુરુષોની સરખામણીએ પ્રતિરોધક ક્ષમતા વધુ મજબૂત હોય છે, જે સંક્રમણ દરમ્યાન સુરક્ષાત્મક હોવા છતાં, પછીથી રક્તવાહિનીની ક્ષતિનું કારણ બની શકે છે.જોકે, રસીકરણથી થોડું રક્ષણ મળતું દેખાયું. રસીકરણ કરાયેલા લોકોમાં સામાન્ય રીતે રસી ન અપાયેલી વ્યક્તિઓ કરતાં ધમનીઓની જડતા ઓછી જોવા મળી હતી, જે સૂચવે છે કે રસીઓ કોવિડની લાંબા ગાળાની રક્તવાહિની અસરોને ઘટાડવામાં મદદ કરી શકે છે. પ્રોત્સાહજનક બાબત હતી કે અભ્યાસમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે સમય જતાં કોવિડ-સંબંધિત વેસ્ક્યુલર વૃદ્ધત્વ સ્થિર થયું હતું અથવા તેમાં થોડો સુધારો થતો હોવાનું જણાયું હતું. સંશોધકોએ જોખમમાં રહેલા લોકોમાં વહેલા નિદાનના મહત્વ પર ભાર મુક્યો હતો. રક્તવાહિનીઓમાં ફેરફારની સમયસર ઓળખ કરવાથી કોવિડમાંથી બચી ગયેલામાં સ્ટ્રોક અથવા હૃદયરોગના હુમલા જેવા ગંભીર પરિણામ નિવારી શકાય છે.આ સંશોધન હૃદય અને રક્તવાહિનીના સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે, ખાસ કરીને સ્ત્રીઓ, લાંબા સમયથી કોવિડના દર્દીઓ અને રસી ન લીધેલા દર્દીઓમાં, જે દર્શાવે છે કે કોવિડની ખરી અસર શ્વસન સંબંધિત બીમારીથી ઘણી આગળ વિસ્તરે છે.