New Delhi,તા.22
આસામ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું કે, હવે સરકાર રાજ્યમાં પુખ્તવયના લોકોને નવા આધાર કાર્ડ આપવાનું બંધ કરશે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ બપોરે કેબિનેટ બેઠક બાદ આ નિર્ણયની જાહેરાત કરી હતી. ગેરકાયદેસર રીતે ઘૂસતા પ્રવાસીઓને રોકવા માટે આ સુરક્ષા ઉપાય કરવામાં આવ્યો છે.
સીએમે સ્પષ્ટ કર્યું કે, હવે પુખ્તવયના લોકોને નવા આધાર કાર્ડ આપવામાં આવશે નહીં. જો કે દુર્લભ કેસમાં જ 18 વર્ષથી ઉપરના લોકોને આધાર કાર્ડ અપાશે. આ ખાલી જિલ્લા પોલીસ અને વિદેશી ન્યાયાધિકરણોના રિપોર્ટ મળ્યા બાદ જ મળશે.
સીએમ હેમંત બિસ્વાએ કહ્યું કે, આવો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કેમ કે સરહદ પર દેશમાં પ્રવેશ કરતા બાંગ્લાદેશીઓ સતત પકડાઈ રહ્યા છે. કાલે પણ અમે 7ને પાછા મોકલ્યા, પણ અમને વિશ્વાસ નથી કે અમે આ બધાને પકડી શક્યા છીએ કે નહીં.
એટલા માટે અમે એક સુરક્ષા વ્યવસ્થા બનાવવા માગતા હતા, જેથી કોઈ ગેરકાયદેસર રીતે આસામમાં પ્રવેશ કરી શકે નહીં. આધાર લઈને ભારતીય નાગરિક તરીકે રહી શકે. અમે આ દરવાજાને સંપૂર્ણપણે બંધ કરવા માગીએ છીએ.
સીએમે કહ્યું કે, આ 1 ઓક્ટોબરથી લાગુ થઈ જશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ચાના બગીચામાં કામ કરતા લોકોને આધાર કાર્ડ માટે અરજી કરવા અને આધાર લેવા માટે 1 વર્ષનો વધારાનો સમય મળશે.