Jamnagarતા ૨૩,
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તારીખ ૩ જૂલાઇના રોજ ઘાના દેશની મુલાકાત દરમિયાન ભારત અને ઘાના વચ્ચે પરંપરાગત ચિકિત્સા તથા આયુષ ક્ષેત્રે સહકાર માટે સમજૂતી કરાર (એમઓયુ) જાહેર કર્યા હતા.
આ ઐતિહાસિક સમજૂતીને પ્રાયોગિક સ્તરે અમલમાં મૂકવાના મહત્વપૂર્ણ ભાગ રૂપે, ઘાનાની યુનિવર્સિટી ઓફ હેલ્થ એન્ડ એલાઇડ સાયન્સીસ ના વાઇસ ચાન્સેલર પ્રોફેસર લીડિયા અઝાઇતોએ તા. ૧૯.૨૦ ઓગસ્ટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઈ.ટી.આર.એ.), જામનગરની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીએ તેમને આવકારી અભિવાદ સાથ આયુર્વેદ અને જામનગરના ભવ્ય વારસાને ઉજાગર કર્યો હતો, તેમજ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રીલેશનના સુકાન ભટ્ટ તેઓને ગુજરાત રાજ્યના પ્રિતિનિધી સ્વરૂપે સાથે જોડાયા હતા.
આ મુલાકાત દરમિયાન તેઓએ આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સાને વધુ જીણવટપૂર્વક સમજવા પ્રયાસ કર્યો હતો. તેઓએ ઇટ્રા ખાતે ભગવાન ધન્વંતરીજીની મૂર્તિને ફૂલહાર કર્યા હતા ત્યારબાદ વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. આયુર્વેદ ચિકિત્સા, સંશોધન અને શિક્ષણ વિષેની તજજ્ઞો સાથે ચર્ચા બાદ આધુનિક લેબોરેટરીની મુલાકાત કરી હતી. ઘાનાની હેલ્થ એન્ડ એલાઇડ સાયન્સીસ વિશ્વવિદ્યાલય સાથે આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સાને જોડી નવા કયા આયામો આપી શકાય તે માટે ચર્ચા-વિમર્શ કર્યો હતો.
જે અંતર્ગત ઇટરા જામનગર અને યુ.એચ.એસ.એ.ઘાના વચ્ચે શૈક્ષણિક સહકાર: વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરો માટે વિનિમય કાર્યક્રમો, તાલીમ અને ક્ષમતા વિકાસ: સંયુક્ત તાલીમ, વર્કશોપ તથા અભ્યાસક્રમો, સંશોધન સહકાર: આયુર્વેદ તથા પરંપરાગત ચિકિત્સા વિષયક સંયુક્ત અભ્યાસ, પ્રોજેક્ટ અને પ્રકાશનો, સાંસ્કૃતિક આદાન-પ્રદાન: બંને દેશોની આરોગ્ય પદ્ધતિઓ અને પરંપરાઓમાં સહયોગ, ધોરણો અને પ્રમાણપત્ર: ગુણવત્તા અને વૈશ્વિક માન્યતા માટે સંસ્થાઓ વચ્ચે સહયોગ, ઉચ્ચ સ્તરીય સંવાદ: બંને દેશો વચ્ચે નિયમિત માળખાગત ચર્ચા માટે વ્યવસ્થા જેવી બાબતો શામેલ છે.
આ પ્રસંગે બંને સંસ્થાઓ વચ્ચે થયેલી ચર્ચાઓ દરમિયાન ભવિષ્યના સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ, શિક્ષણ તેમજ તાલીમ કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા થઈ. ભારત-ઘાના સહકારને પ્રાયોગિક સ્તરે આગળ ધપાવવા માટે માર્ગદર્શિકા પણ નક્કી કરવામાં આવી.ઇટ્રાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરી એ જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત–ઘાના વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની ઘાના મુલાકાત દરમિયાન થયેલા સમજૂતી કરારને અમલમાં લાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ સિમાચિન્હ સાબિત થશે. શિક્ષણ, સંશોધન, તાલીમ તથા સાંસ્કૃતિક સહકાર જેવા ક્ષેત્રોમાં આ યાત્રા આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા માટે નવી દિશાસૂચક બનશે.