Maharashtra,તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વાંધાજનક પોસ્ટ ટિ્વટ કરવા બદલ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી. ગઢચિરોલીના ભાજપના ધારાસભ્ય મિલિંદ નરોટે દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તેજશ્વી યાદવ પર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૯૬ (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવી), ૩૫૬ (માનહાનિ), ૩૫૨ (ઈરાદાપૂર્વક અપમાન દ્વારા શાંતિ ભંગ કરવાનો ઈરાદો) અને ૩૫૩ (જનતામાં ખલેલ પહોંચાડતા નિવેદનો) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી તેજસ્વી પીએમ મોદી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને અન્ય રાજકીય વિરોધીઓ પર ઉગ્ર શાબ્દિક હુમલો કરી રહ્યા છે. ભાજપના કટ્ટર હરીફ પક્ષ- આરજેડીના નેતાઓ ભાજપ, પીએમ મોદી તેમજ અમિત શાહ પર ચૂંટણીને પ્રભાવિત કરવાના ગંભીર આરોપો લગાવી રહ્યા છે. આ સંદર્ભમાં, આરજેડી અને અન્ય પક્ષો કોંગ્રેસ સાથે બિહારમાં મતદાન અધિકાર યાત્રા પણ કાઢી રહ્યા છે.નોંધનીય છે કે બિહારમાં આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. અગાઉ, ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પર રાજ્યમાં ઉગ્ર રાજકીય વિવાદ થયો હતો. વિપક્ષી પક્ષોએ ભાજપ પર ચૂંટણી પંચ સાથે મળીને ’મત ચોરી’ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો જ્યાં દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આધાર કાર્ડને પણ માન્ય ઓળખ કાર્ડ ગણવામાં આવશે.