Mumbai,તા.૨૩
આજે સવારે સીબીઆઈની ટીમોએ રિલાયન્સ કોમ્યુનિકેશન અને તેના પ્રમોટર અનિલ અંબાણીના વિવિધ પરિસરોમાં દરોડા પાડ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ કથિત બેંક લોન છેતરપિંડીના કેસને ધ્યાને લઇને આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુલ છેતરપિંડીનો આંકડો લગભગ ૧૭,૦૦૦ કરોડ જેટલો હોવાનું મનાય છે.
કેન્દ્રિય તપાસ એજન્સી સીબીઆઇએ રિલાયન્સ જૂથની ત્રણે કંપનીઓ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ દ્વારા લેવાયેલી લોનની તપાસ હાથ ધરી છે. ઝ્રમ્ૈં દ્વારા નોંધવામાં આવેલી એફઆઇઆર અનુસાર આ લોનોમાં ગેરરીત ઉપયોગ, દસ્તાવેજોની છેડછાડ અને નાણાંની ખોટી રીતે સ્થાનાંતરિત કરવા જેવી ગંભીર અનિયમિતતાઓ જોવા મળી છે.
આ તરફ દરોડાની કાર્યવાહી ઈડી દ્વારા છેલ્લા અઠવાડિયે અનિલ અંબાણીની દસ કલાકની પૂછપરછ પછી શરૂ કરવામાં આવી. ઈડીની તપાસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ લોનના દુરુપયોગના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા.
ઈડીના ડેટા મુજબ આરએચએફએલ ઉપર ૫,૯૦૧ કરોડથી વધુ દેવું, આરસીએફએલ ઉપર ૮,૨૨૬ કરોડથી વધુ દેવું અને આરકોમ પર ૪,૧૦૫ કરોડ (યસ બેંક, એસબીઆઇ, એક્સિસ બેંક, આઇસીઆઇસીઆઈ, એચડીએફસી સહિત ૨૦ જેટલી બેંકોનો કન્સોર્ટિયમ) દેવું હોવાનું હાલના તબક્કે સામે આવ્યું છે. આ દેવા પબ્લિક અને પ્રાઇવેટ બેંકોના ઉચ્ચ અધિકારીઓને પણ તપાસના કક્ષામાં લાવી શકે છે.પ્રાથમિક વિગતો મુજબ દરોડા દરમ્યાન અનિલ અંબાણી તેમના પરિવાર સાથે ઘરમાં હાજર હોવાનું જાણવા મળ્યું છે. જોકે હજુ સુધી કોઈ પણ ધરપકડ થઈ નથી, પરંતુ તપાસની ગતિથી સ્પષ્ટ છે કે એજન્સીઓ કોઈ કડક કાર્યવાહી માટે તૈયારીમાં છે.