Jammu-Kashmir,તા.02
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે પત્રકારો સાથે વાતચીત કરતાં દરમિયાન હરિયાણાની જનતાને ભાજપને હરાવવા તેમજ અન્ય દળોનું સમર્થન કરવાની અપીલ કરી છે. મલિકે કહ્યું, ‘જ્યારે પણ સંકટનો સમય આવ્યો છે, ત્યારે શીખ સંપ્રદાય હંમેશા દેશની સાથે ઊભો રહ્યો છે.’
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલે ભારતીય જનતા પાર્ટીને શીખ સંપ્રદાયના મામલે દૂર રહેવાની સલાહ આપી છે. સાથે જ તેઓએ આગામી હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં પણ લોકોને ભાજપને હરાવવાની અપીલ કરી છે. તેઓએ બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશની મંડીથી સાંસદ કંગના રણૌતને પણ ભાજપથી બહાર કરવાની માંગ કરી છે. આ સાથે જ તેઓએ ED ની કાર્યવાહીને લઈને પણ પ્રશ્ન કર્યા છે.
ટ્રિબ્યુન અનુસાર, શહીદ બાબા જંગ સિંહ ગુરૂદ્વારા પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેઓએ હરિયાણાની જનતાને ભાજપને હરાવવા તેમજ અન્ય દળોનું સમર્થન કરવાની અપીલ કરી છે. મલિકે કહ્યું, ‘જ્યારે પણ સંકટનો સમય આવ્યો છે, ત્યારે શીખ સંપ્રદાય હંમેશા દેશની સાથે ઊભો રહ્યો છે. ભાજપ સરકાર પોતાનું કામ કરવામાં અસફળ રહી છે અને તેણે હવે શીખોના મામલે દખલગીરી ન કરવી જોઈએ.’
જમ્મુ-કાશ્મીર પર કર્યા સવાલ
તેઓએ કહ્યું, ‘મારા કાર્યકાળ દરમિયાન આતંકવાદી શ્રીનગર પહોંચવાની હિંમત નહતા કરતાં, પરંતુ હવે તે સેના પર હુમલા કરી રહ્યા છે અને કોઈ પ્રભાવી શાસન નથી. ભાજપ દિલ્હી અને શ્રીનગર બંને જગ્યાએ અસફળ રહી છે.’ નોંધનીય છે કે, મલિક ઓગસ્ટ 2018 થી લઈને ઓક્ટોબર 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ રહ્યા હતાં. જમ્મુ અને કાશ્મીરમાં 3 તબક્કામાં ચૂંટણી થવાવી છે, જેના પરિણામ 8 ઓક્ટોબરે જાહેર થશે.
કંગનાને લીધી આડે હાથ!
મલિકે મંડીથી સાંસદ કંગના રણૌત પર પણ સવાલ કર્યા છે. તેમણે કંગનાને રાજનૈતિક રૂપે અપરિપક્વ ગણાવી હતી, સાથે જ કહ્યું કે, તે પાર્ટીમાં રહેવા લાયક નથી અને ભાજપે તેને બહાર કરી દેવી જોઈએ. આ સિવાય તેઓએ કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીના પણ જોરદાર વખાણ કર્યાં છે.