લેખક: કલ્પેશ દેસાઈ
જાડેજા સાહેબની ટીમની સૌથી ચપળ અને યંગ લેડી પોલીસ ઓફિસરે આનંદ ભાવનગરીના ફ્રોડ કોલ સેન્ટરમાં એક એમ્પ્લોય તરીકે જોઈનિંગ કર્યાના બીજા જ દિવસે મેલ કેન્ડીડેટ તરીકે એક યંગ પી.એસ.આઇ. એ પણ વિધિવત વૈશાલીને ઇન્ટરવ્યૂ આપી અને જોઈનિંગ કર્યું.
વૈશાલી, શ્યામ, એક લેડી પોલીસ ઓફિસર તેમજ એક પી.એસ.આઇ. સહિત હવે ચાર લોકોની ટીમ પૂરેપૂરી તૈયાર હતી. હવે આનંદ ભાવનગરીની ઓફિસમાં કઈ પ્રકારનો આર્થિક ગુનો થઈ રહ્યો છે તે શોધવાનું બાકી હતું.
“મેડમ!, મારા કમિટમેન્ટ મુજબ આપણે જેવા જોઈએ છે તેવા જ અને આપણને પોસાય તેવા પગાર ધોરણમાં ત્રણ અનુભવી એમ્પ્લોઇઝની ટીમ તૈયાર છે તો આપણે ક્યારથી તેમની ટ્રેનિંગ સ્ટાર્ટ કરીશું?”
“વૈશાલી, મોસ્ટ પ્રોબેબ્લી તો આપણે આજથી જ નવા જોડાયેલા એમ્પ્લોયઝની ટ્રેનિંગ સ્ટાર્ટ કરી દઈશું, પરંતુ મારે એક વખત આનંદ સર પાસેથી કન્ફર્મેશન લેવું પડશે.”
“ઠીક છે મેડમ, લો આ ફાઈલ આમાં નવા જોઈન્ટ થયેલા ત્રણેય એમ્પ્લોયના તમામ ડોક્યુમેન્ટસની ઝેરોક્ષ છે, જેને મેં ઓરિજિનલ સાથે વેરીફાઈ કરી લીધી છે. તમે તમારી રીતે એક વખત ચેક કરી લેજો અને જરૂર લાગે તો આનંદ સરને પણ બતાવી દેજો.”
વૈશાલીએ પોતાના વર્ષોના જોબ પ્લેસમેન્ટના અનુભવના આધારે આખી રિક્રુટમેન્ટ પ્રોસેસને અંજામ આપ્યો હતો અને છાંયા મહદ અંશે તેનાથી પ્રભાવિત હતી.
થોડીવાર પછી બાજુના ફ્લેટમાં આવેલી જૂની ઓફિસમાં આનંદ ભાવનગરી સાથે છાંયા બેઠી હતી.
“આનંદ, આપણે છોકરીને ધારી હતી એટલી જ હોશિયાર નીકળી છે અને તેણે ખરેખર તેના કમિટમેન્ટ મુજબ ત્રણ દિવસમાં ત્રણ જેટલા એમ્પ્લોઇને અપોઇન્ટ કરી લીધા છે. હવે તે ટ્રેનિંગ માટે કહે છે, તો આપણે કેવી રીતે કરવું જોઈએ?”
“ડોન્ટ વરી છાયા!, મેં તે વસ્તુ વિચારી રાખી છે, તું એક કામ કર થોડીવાર પછી તે બધાને અહીં મારી ઓફિસમાં લઈ આવ. હું તેમની સાથે વાત કરી અને આગળની વ્યવસ્થા સંભાળી લઉં છું.”
આશરે પંદર મિનિટ જેવા સમય પછી છાંયા અને વૈશાલી સાથે શ્યામ અને બે પોલીસ ઓફિસરો કે જે એમ્પ્લોઇ તરીકે આનંદ ભાવનગરીના ફ્રોડ સેન્ટરમાં જોડાયા હતા, તે બધાએ આનંદ ભાવનગરીની બાજુના ફ્લેટમાં આવેલી જૂની ઓફિસમાં પ્રવેશ કર્યો.
પી.એસ.આઇ. અને લેડી પોલીસ ઓફિસરે પોતાની આદત મુજબ એક ઊડતી નજર નાખી અને ઓફિસનો ક્યાસ કાઢવાનું શરૂ કરી દીધું, પરંતુ સાથે સાથે તેઓ એ વાતથી પણ સતર્ક હતા કે, એમને કોન્સ્ટન્ટ ઓબ્ઝર્વેશન કરવાનું ન હતું, જેથી કોઈને શક ન જાય.
આ તરફ નવા ઉમેદવારો મળવા આવે ત્યાં સુધીમાં છાંયા દ્વારા આપવામાં આવેલ નવા એમ્પ્લોઇની ડોક્યુમેન્ટસ ફાઈલમાંથી આનંદ ભાવનગરીએ નવા જોડાયેલા ત્રણેય ઉમેદવારોના નામ યાદ રાખી લીધા હતા અને ચેમ્બરમાં પ્રવેશતા જ તેમને વારાફરતી ત્રણેયને નામ સાથે સંબોધન કરી, આવકાર આપ્યો અને પોતાની સામે ગોઠવેલ ચેરમાં બેસવા માટે કહ્યું.
આ રીતે નામ યાદ રાખવાની અને નવા આગંતુકને અચંભીત કરવાની હરકત પરથી બંને પોલીસ ઓફિસરને ખાતરી થઈ ગઈ કે, સામે બેઠેલો કોઈ સામાન્ય ગુનેગાર નથી પણ ગુન્હાની દુનિયાનો અઠંગ ખેલાડી છે.
આનંદે સીધી જ વાતની શરૂઆત કરી.
“જુઓ, તમે બધા જ અનુભવી છો જે મેં તમારી ફાઈલમાંથી જોયું એટલે તમને વધારે કંઈ મારે સમજાવવાનું રહેતું નથી, પરંતુ આપણી કામગીરી બે ભાગમાં વહેંચાયેલી છે, ફોરેનની બેંકો અને ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટયૂટ્સ વતી તેમના ક્લાઈન્ટસને સર્વિસીઝ આપવાનું તેમજ તેમના વતી તેમના બાકીદારો પાસેથી કલેક્શન કરવાનું.”
આનંદ ભાવનગરીએ પૂર્વ તૈયારી મુજબ પોતાની વાત મૂકી.
“પ્રાથમિક તબક્કે તમને સર્વિસીઝનું કામ શીખવાડવામાં આવશે અને ત્યાર પછી કલેક્શનનું. સર્વિસીઝ માટે જ્યારે ક્લાઈન્ટ આપણો સંપર્ક કરે ત્યારે જ આપણે તેમની સાથે વાત કરવાની રહેશે. એનાથી ઊલટું જ્યારે આપણે કલેક્શન કરવાનું હોય તો આપણે સામેથી ક્લાઈન્ટનો સંપર્ક કરી અને એમને એમના બાકી રહેતા હપ્તા કે દેણા માટે રિમાઇન્ડર આપી તેમની પાસેથી કલેક્શન કરવાનું રહેશે.”
આનંદ ભાવનગરી સિફત પૂર્વક એક પછી એક પત્તા ઉતરી રહ્યો હતો.
“આપણે બી.પી.ઓ.ના લાઇસન્સ માટે અપ્લાય કરી દીધું છે. જે લગભગ એકાદ મહિનામાં આવી જશે ત્યાર પછી અહીં કામ કરતા કર્મચારીઓની સંખ્યા 100 થી વધુની હશે. તમે લોકો નસીબદાર છો કે તમને એડવાન્સમાં જ અહીં જોડાવાનો મોકો મળી ગયો. ઈમાનદારી પૂર્વક કામ કરશો તો તમને કલેક્શન ઉપર તગડું ઇન્સેન્ટિવ પણ મળશે.”
‘કલેક્શન ઉપર તગડું ઇનસેટિવ’ તે વાક્ય પર આનંદ ભાવનગરીએ જાણી જોઈને ભાર મૂક્યો. તે નવા જોડાનાર એમ્પ્લોયના મગજમાં એવું ઠસાવવા માંગતો હતો કે, જેનાથી એમ્પ્લોઇ સામેથી કલેક્શન કરવા માટે તલપાપડ રહે.
“તમને બે કે ત્રણ દિવસ માટે આપણો જૂનો એમ્પ્લોઇ પાર્થિવ પોતાની સાથે બેસાડશે જેથી તમને કામગીરીનો ખ્યાલ આવી જાય. ત્યારબાદ તમારે સ્વતંત્ર રીતે તમારું કામ શરૂ કરવાનું રહેશે. તમારામાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. નહીંતર હું તમારી પાર્થિવ સાથે મુલાકાત કરાવી દઉં પછી આપણે છુટા પડીએ.”
આનંદ ભાવનગરીએ સત્તાવાહી સ્વરમાં પોતાની વાત પૂરી કરી. સામે બેઠેલા લોકોમાંથી એકમાત્ર વૈશાલીએ કહ્યું,
“સર, મને એક પ્રશ્ન છે અને તમારી પરમિશન પણ જોઈએ છીએ.”
“હા બોલ વૈશાલી.”
“સર હવે આપણે નવા એમ્પ્લોઇ સિલેક્ટ કરવા માટે થોડો બ્રેક લઈએ અને એ દરમિયાન, આ લોકોની જે ટ્રેનિંગ થઈ રહી છે જો એમાં હું પણ સાથે જોડાઈ જાવ તો, મને આપણી કામગીરીનો એક્ઝેટ ખ્યાલ આવી જાય, તેમ જ ત્યાર પછીની જે સેકન્ડ બેચને આપણે સિલેક્ટ કરીએ ત્યારે તેમને ટ્રેનિંગ પણ હું જ સ્વતંત્ર રીતે આપી શકું.”
વૈશાલીએ સિફત પૂર્વક નવી ઓફિસમાં એકલું પડવા કરતા ટીમ સાથે ગોઠવાઈ જવા માટે પેતરો અજમાવ્યો.
“ગુડ આઈડિયા વૈશાલી! પરમિશન ગ્રાન્ટેડ.”
આનંદે પણ આંખ મિચ કરી હસતા હસતા વૈશાલીને રીપ્લાય આપ્યો અને પાર્થિવને અંદર બોલાવી નવી ટીમ સાથે પ્રાથમિક પરિચય કરાવ્યો.
પાર્થિવ, આનંદ ભાવનગરીનો જુનો સાથીદાર હતો અને આનંદની કામ કરવાની રીત તેમજ તેની મોડસ ઓપરેન્ડીથી સુપેરે વાકેફ હતો.
આનંદે અગાઉથી જ તેને તૈયાર કરી રાખ્યો હતો કે નવા જોડાનાર એમ્પ્લોઇઝને કેવી રીતે ટ્રેનિંગ આપી, તેમનો વિશ્વાસ જીતી અને ગેરકાયદેસર કલેક્શનના ફ્રોડ કામમાં લગાડી દેવા.
ત્યાર પછીના બે દિવસ દરમિયાન પાર્થિવે નવી જોડાયેલ ટીમને કઈ રીતે કામગીરી કરવી તેની પ્રાથમિક ટ્રેનિંગ આપી દીધી. તેણે ટ્રેનિંગની શરૂઆત પોતાના ખુદનો કિસ્સો કહેવાથી કરી કે, તે કેટલા ગરીબ પરિવારમાંથી આવી રહ્યો હતો અને સંકટના સમયે કેવી રીતે આનંદ ભાવનગરીએ તેનો હાથ પકડ્યો અને ત્યાર પછી ક્રમશઃ આનંદ ભાવનગરી સાથે રહેવાથી તે હાલમાં કેટલો સફળ છે. ટ્રેનિંગ દરમિયાન મુખ્યત્વે પાર્થિવનું ફોકસ નવા જોડાયેલ એમ્પ્લોઇના મગજમાં એવું ઠસાવવાનું હતું કે, આનંદ ભાવનગરી એકમાત્ર રસ્તો છે ઝડપથી સફળ થવા માટેનો. તેમજ આનંદ ભાવનગરી નવયુવકો માટે પૈસા છાપવાનું મશીન છે. નવયુવકોનો મસીહા છે. એક વખત જે કોઈ આનંદનો વિશ્વાસ જીતી લે અને એની ટીમમાં જોડાઈ જાય તેમ જ તેના માટે પૂરી ઈમાનદારી પૂર્વક કામ કરે તેને જિંદગીમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી. પૈસા કમાવા માટે કરવામાં આવેલું કોઈપણ કામ નાનું કે મોટું અથવા સાચું કે ખોટું હોતું નથી. આનંદ ભાવનગરી દરેક વસ્તુ આયોજનબદ્ધ કરવામાં માનતો હોય તેને પહેલેથી જ એવી ટ્રેનિંગ તૈયાર કરી રાખી હતી કે, નવા જોડાનાર એમ્પ્લોઇને તેમના કાર્ય પર સહેજ પણ શંકા ન જાય અને તેના માટેની સૌથી મજેદાર સ્ટોરી એ હતી કે, નવા જોડાનાર એમ્પ્લોય જે કોઈને પણ ફોન કરી તેમની પાસેથી કલેક્શન કરી રહ્યા છે પછી તે ટેક્સ પેટે હોય, બેંકના ચડત હપ્તા પેટે હોય, કોઈ ટ્રાફિક કે અન્ય નાના-મોટા નિયમોના ભંગ બદલ હોય, એ દરેક રકમ એવી છે કે, જે તેઓએ લાંબા સમયથી ભરવાની પેન્ડિંગ છે અને જે તે દેશના નિયમ મુજબ જો તેમને તે ભરવા માટે કોર્ટમાં લઈ જવામાં આવે તો જે તે એજન્સીઓનો ખર્ચ વધી જતો હોય. આ રકમ તેઓએ એક ટેન્ડર બહાર પાડી અને દેશની બહાર આવેલી કોઈ થર્ડ પાર્ટીને કલેક્ટ કરવાનું કામ સોપેલું છે અને તેમના વતી કલેક્શન કરતી એજન્સી એટલે કે આનંદ ભાવનગરી અને તેની ટીમ.
આનંદ ભાવનગરીએ, જે તે દેશની એજન્સીઓને ટેન્ડર પેટે એક ચોક્કસ રકમ ચૂકવી દીધેલી છે, તેથી હવે આનંદ ભાવનગરી અને તેની ટીમ જે કોઈ રકમનું કલેક્શન કરે તે એમનું પોતાનું તેથી કદાચ કોઈ કેસમાં જરૂરથી ઓછું કલેક્શન થાય કે સાવ ના થાય તો નુકસાન પણ આનંદ ભાવનગરીએ જ ભોગવી લેવાનું રહે, પરંતુ ઘણા બધા કેસિસ એવા હોય કે, જેમાં બાકી રકમ કરતાં વધુ કલેક્શન પણ થઈ જતું હોય તો કલેક્શન કરી લેવામાં કંઈ જ ખોટું નથી કેમકે, જે લોકો ભરપાઈ નથી કરી રહ્યા તેની નુકસાની સરભર તો કરવી પડે ને.
આમ તદ્દન બનાવટી પરંતુ પુરી ચીવટ સાથે બનાવવામાં આવેલ ટ્રેનિંગ રૂપી સ્ટોરી નો સાર એ હતો કે, કઈ રીતે લોકો પાસેથી વધુમાં વધુ પૈસા કઢાવી શકાય તેમજ અગર તમે બાકી રકમથી પણ વધારાનું કલેક્શન કરો છો તો તેમાં તમે કશું જ ખોટું નથી કરી રહ્યા. ઉલટાનું, તેમાંથી તમને મોટો હિસ્સો ઈન્સેન્ટીવ રૂપે મળી શકે છે.
બે દિવસની ટ્રેનિંગ દરમિયાન નવી જોડાયેલ ટીમે તે લોકોની કામગીરીને પ્રત્યક્ષ નિહાળી, તેમજ ટીમના દરેક મેમ્બર પાસે ડેમો સ્વરૂપે એક બે કોલ પણ કરાવવામાં આવ્યા અને નાનું મોટું કલેક્શન પણ કરાવવામાં આવ્યું. જેથી, તેમને કામગીરીનો ખ્યાલ આવી જાય.
પાર્થિવ અને આનંદ ભાવનગરીની ટ્રેનિંગ અને પૂર્વ તૈયારી તો એટલી પરફેક્ટ હતી કે, લગભગ નવા જોડાનાર એમ્પ્લોયી તેની આભામાં આવી જ જાય. પરંતુ, અહીં તો એક પણ વ્યક્તિ એમ્પ્લોઇ ન હતી. વૈશાલી અને શ્યામને આનંદ ભાવનગરી અને તેની ટીમના કાર્યનો આછેરો અંદાજ આવ્યો, પરંતુ પી.એસ.આઇ. અને લેડી ઓફિસરને તો 100 એ 100% આનંદ ભાવનગરી કઈ પ્રકારનો ફ્રોડ કરી રહ્યો છે અને કેવી રીતે કરી રહ્યો છે તેની સચોટ માહિતી હવે મળી ચૂકી હતી.
જાડેજા સાહેબે જયારે ટીમ પાસેથી સંપૂર્ણ ઇનપુટ્સ મેળવ્યા ત્યારે, તેમના કપાળની નસો એકદમ તંગ થઈ ગઈ અને હાથની મુઠ્ઠીઓ ભિડાઇ ગઈ…
ક્રમશ: (વધુ આવતા મંગળવારે)