દુ:ખ હર્તા સુખ કર્તા ગણપતિબાપા.
ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થી કે ગણપતિ ચોથ તરીકે ઓળખવામાં આવે છે. ગણપતિ રિદ્ધિ સિદ્ધિના સ્વામી કહેવાય છે. આપણે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય તો સૌ પ્રથમ ગણપતિજીનું આવાહન તથા પૂજન કરવું પડે છે. કોઈ પણ મંગલ કાર્યક્રમ કે સમારોહની શરૂઆત હંમેશા શ્રી ગણેશ વંદના કે ગણેશજીના શ્લોકથી જ કરવામાં આવે છે. આથી ગણપતિને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે.
ગણપતિજીનું પૂજન કરવાથી તમામ પ્રકારના વિઘ્નો તથા સંકટો દૂર થઈ જાય છે. આમ તો ગણેશોત્સવ એ મહારાષ્ટ્ર રાજ્યનું પર્વ ગણાય છે, પરંતુ ધીમે ધીમે દરેક રાજ્યોમાં પણ ગણેશોત્સવનું મહત્ત્વ વધવા લાગ્યું છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંય વરસોથી દરેક નગર, ગલી તથા પોળોમાં ગણેશોત્ત્સવ બહુ ધૂમધામથી ઉજવવામાં આવે છે.
ગણેશ ચર્તુર્થીના દિવસે ગણપતિની મૂર્તિની ભક્તિભાવ પૂર્વક તથા વિધિવત સ્થાપના કરવામાં આવે છે. આબાલ વૃદ્ધો સૌ કોઈ આ ચૌદ દિવસ રંગે ચંગે આનંદ કરે છે. અનંંત ચતુદર્શીના દિવસે ભારે હૈયે ગણપતિનું વિસર્જન કરીને ભાવભીની વિદાય આપવામાં આવે છે.
અનંત ચતુદર્શીના દિવસે ભાવિક ભક્તો ગણપતિ દાદાની મૂર્તિઓને સમૂહમાં ડૂબાડીને વિસર્જન કરે છે. સામાન્ય રીતે ગણેશજી વિષે જાતજાતની અને ભાતભાતની કથાઓ જોડાયેલી છે, પરંતુ ગણેશજીના વિવિધ નામો કેવી રીતે પડયા તેની માહિતિ નીચે મુજબ છે.
– પોતાની દૂંદ (ફાંદ) મોટી હોવાને કારણે દૂંદાળા દેવ તરીકે ઓળખાય છે.
– મસ મોટી તથા ભારેખમ કાયા ધરાવતાં હોવાથી મહાકાય તરીકે ઓળખાય છે.
– તેમનું ભાલ (કપાળ) ચંદ્ર સમાન તેજસ્વી અને જાજરમાન હોવાને કારણે ભાલચંદ્ર રીકે ઓળખાય છે.
– પોતાની સૂંઢ એક તરફ વાંકી રહેતી હોવાને કારણે વક્રતુન્ડ તરીકે ઓળખાય છે.
– ગજ (હાથી) જેવું આનન (મોઢું) હોવાને કારણે ગજાનન તરીકે ઓળખાય છે.
– ગજ (હાથી) જેવા મોટા અને લાંબા કાન હોવાને કારણે ગજકર્ણ, સૂપકર્ણ કે લંબકર્ણ તરીકે ઓળખાય છે.
– પરશુરામ સાથેના યુદ્ધમાં બે દંતશૂળમાંથી એક દંત ખંડિત થયો હોવાથી એકદંત તરીકે ઓળખાય છે.
– ગણોના અધિપતિ હોવાને કારણે ગણપતિ, ગણનાયક, ગણનાથ , ગણાધિપતિ,ગણેશ કે ગણરાય તરીકે ઓળખાય છે.
– સઘળાં કષ્ટો, દુ:ખ તથા વિઘ્નો દૂર કરતાં હોવાથી વિઘ્નહર્તા, વિઘ્નેશ્વરાય કે સંકટમોચન તરીકે ઓળખાય છે.
– તેમનો વાન (શરીર) બદામી ઘેરા રંગનો હોવાથી કપિલ તરીકે ઓળખાય છે.
– નમ્ર વિવેકી તથા વિનયી હોવાને કારણે વિનાયક તરીકે ઓળખાય છે.
– પોતાને ભોજનમાં મોદક અતિ પ્રિય હોવાથી મોદક સ્વામી તરીકે ઓળખાય છે.
– પાર્વતીજીના પુત્ર હોવાને કારણે પાર્વતી નંદન કે ગૌરી નંદન તરીકે ઓળખાય છે.
– સુર એટલે સર્વ દેવતાઓમાં પ્રિય અને ઇષ્ટ હોવાને કારણે સુરપ્રિયાય, સુરેશ કે સુરેશ્વર તરીકે ઓળખાય છે.
ગણપતિને રિદ્ધિ અને સિદ્ધિ નામની બે પત્નીઓ હતી તથા તેમના પુત્રોનાં નામ શુભ તથા લાભ હતાં. સમય જતાં શુભ તથા લાભ ચોઘડિયા તરીકે ગ્રહમંડળમાં પ્રસ્થાપિત થયા હતા. ગણપતિએ મુષક (ઊંદર) જેવા તુચ્છ પ્રાણીને પોતાનું વાહન બનાવ્યો છે.
ગણપતિને દુર્વા અતિ પ્રિય છે. મહર્ષિ વેદ વ્યાસ રચિત મહાભારત લખવામાં ગણપતિજીનો બહુ મૂલ્ય ફાળો છે. આમ ગણપતિજીએ વરસો અગાઉ લહિયા કે સ્ટેનો તરીકેની સેવા બજાવી હતી, તેથી એવું કહી શકાય કે ગણપતિ જ સૌથી પહેલાં વેદ વ્યાસના સ્ટેનોગ્રાફર હતા ત્યાર પછી સ્ટેનોની લિપિ વિકસી હતી.
દુ:ખ હર્તા સુખ કર્તા વિધ્નેશ્વરને કોટિ કોટિ પ્રણામ.
યોગેશભાઈ આર જોશી
મોબાઈલ નંબર:૯૮૭૯૯૫૬૬૩૬