Vadodara,તા.24
મુંબઇની ફાયનાન્સ કંપનીમાં સાઇટના યુનિટ તેમજ જગ્યા મોર્ગેજ મૂકીને ૩૪.૯૯ કરોડની લોન લેનાર પેઢીના ભાગીદારોએ કંપનીની એન.ઓ.સી. લીધા વગર જ બારોબાર ૨૦ યુનિટ વેચી દીધા હતા. જ્યારે ૧૦૭ યુનિટના બાનાખત કરી આપ્યા હતા. જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા ભાસ્કર રામનિવાસ અગ્રવાલે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મુંબઇ ખાતે આવેલી લિમિટેડમાં હું વાઇસ પ્રેસિડેન્ટ છું. પેઢીના ભાગીદારો (૧) સુરેશ (૨) મનીષ (૩) પ્રવિણ (૪) કિશોર તથા (૫) રવિ ( તમામ રહે. સાવલી રોડ) જમીન વેચાણ રાખી તેના પર પ્રોજેક્ટ બનાવી ડેવલપ કરી વેચવાનો બિઝનેસ કરે છે. તેઓએ હરણી સમા લિંક રોડ વિસ્તારમાં સાઇટ શરૃ કરી હતી. તેઓને રૃપિયાની જરૃર પડતા તેમની સાઇટના ૨૦૩ યુનિટ અમારી સંસ્થામાં મોર્ગેજ કરી ૩૫ કરોડની ટર્મ લોન ફેસિલિટી લીધી હતી.તા.૧૪-૦૭-૨૦૨૨ ના રોજ પ્રોજેક્ટના ૨૦૩ યુનિટ અને પ્રોજેક્ટની જમીનનું મોર્ગેજ ડીડ કરવામાં આવ્યું હતું. તેઓએ જાન્યુઆરી ૨૦૨૬ સુધી નિયમિત હપ્તા ભરપાઇ કર્યા પછી રૃપિયા ભરપાઇ કરવાનું બંધ કરી દીધું હતું. અમે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મોર્ગેેજ કરેલા ૨૦૩ યુનિટ પૈકી ૧૦૭ યુનિટ અમારી કંપનીની એન.ઓ.સી.લીધા વગર લોન એગ્રીમેન્ટની શરતોનો ભંગ કરીને બાનાખત કરી દીધા હતા અને ૨૦ યુનિટ વેચાણ કરી દીધા હતા. અત્યારસુધીના વ્યવહારોમાં કુલ ૩૩.૯૬કરોડ હજી બાકી પડે છે.

