Udaipur,તા.28
વર્ષો પહેલાં સરકારે વધતી વસ્તીને રોકવા માટે ’હમ દો, હમારા દો’નો નારો આપ્યો હતો. આ અંગે સામાન્ય લોકોને જાગૃત કરવા આરોગ્ય વિભાગ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને મોટા મોટા દાવા કરે છે. પરંતુ રાજસ્થાનનાં ઉદયપુરના આદિવાસી વિસ્તાર ઝાડોલમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે આ દાવાઓને ઉજાગર કરી રહ્યો છે.
55 વર્ષની ઉંમરે 17માં બાળકને જન્મ આપ્યો :-
વાસ્તવમાં અહીંના આદિવાસી પ્રભુત્વ ધરાવતાં ઝાડોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર પરથી એક તસવીર સામે આવી હતી, જેને જોઇને તમને પણ નવાઇ લાગશે. 55 વર્ષીય મહિલા રેખા કાલબેલિયાએ પોતાનાં 17માં બાળકને હોસ્પિટલમાં જન્મ આપ્યો છે.
રેખા 16 બાળકોની માતા બની ચૂકી છે. જો કે જન્મ બાદ તરત જ તેમનાં 4 પુત્રો અને 1 પુત્રીનું મોત થયું હતું. આ સાથે જ રેખાના પાંચ બાળકો પરિણીત છે અને તેમને પોતાનાં બાળકો પણ છે.
પરિવાર પાસે રહેવા માટે ઘર નથી :-
હોસ્પિટલમાં આ સમાચાર ફેલાતાં જ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. રેખાના પતિ કાવરા કાલબેલિયાનું કહેવું છે કે તેની પાસે રહેવા માટે પોતાનું ઘર નથી અને તે માંડ માંડ ગુજરાન ચલાવી રહ્યો છે. બાળકોને જમાડવા માટે તેમને શાહુકાર પાસેથી 20 ટકા વ્યાજે પૈસા લેવા પડતાં હતાં. તેમણે અત્યાર સુધીમાં લાખો રૂપિયા ચૂકવી દીધાં છે, પરંતુ તે સંપૂર્ણ રીતે વ્યાજના જંજાળમાંથી બહાર આવી શક્યો નથી.
ભંગાર ભેગું કરીને પોતાનું ગુજરાન ચલાવતો આ પરિવાર શિક્ષણનાં નામે પોતાનાં બાળકોને શાળાએ પણ મોકલી શકતો ન હતો. પીએમ આવાસ યોજના દ્વારા ઘર તો બનાવવામાં આવ્યું હતું, પરંતુ જમીન તેમનાં નામે ન હોવાનાં કારણે આજે બાળકોની સાથે આખો પરિવાર બેઘર છે. મહિલાના પતિએ કહ્યું કે”અમારી પાસે ખોરાક અને પાણી માટે અને અમારા બાળકોનાં લગ્ન માટે પણ પૂરતાં સાધનો નથી. શિક્ષણ અને ઘરની સમસ્યાઓ દરરોજ સતાવે છે.