પરિવાર કે અંગત જીવન વિશે ખોટી માહિતી ફેલાવનાર વિરુદ્ધ ૧૦૦ કરોડનો દાવો કરવામાં આવશે : ગોવિંદા
Mumbai, તા.૨૪
૬૨ વર્ષીય બોલીવુડ એક્ટર ગોવિંદાની પર્સનલ લાઈફ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ અલગ અલગ પોડકાસ્ટમાં અને મીડિયા સામે ગોવિંદાના અફેરની વાતો કરીને તેના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારબાદથી ગોવિંદાની લાઈફ ચર્ચામાં છે. આ ચર્ચાઓને રોકવા માટે હવે ગોવિંદાએ કાયદાની મદદ લીધી છે. એએનઆઈની ખબર અનુસાર ગોવિંદાએ લીગલ નોટિસ જાહેર કરી જણાવ્યું છે કે તેના અંગત જીવન વિશે ખોટી માહિતી ફેલાવનાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થશે અને ૧૦૦ કરોડનો માનહાનિનો કેસ કરવામાં આવશે. ગોવિંદાએ જાહેર કરેલી લીગલ નોટિસમાં એક્ટરે ઉલ્લેખ કરાવ્યો છે કે તેના કે તેના પરિવાર વિશે ખોટી, ભ્રામક કે એઆઈ જનરેટેડ માહિતી ફેલાવનાર વિરુદ્ધ કેસ કરવામાં આવશે. નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ડિજિટલ પ્લેટફોર્મ તેની પર્સનલ લાઈફને લઈને અફવા ફેલાવશે કે એઆઈ કંટેંટ ફેલાવશે તો તેમના વિરુદ્ધ ૧૦૦ કરોડનો માનહાનિનો કેસ કરવામાં આવશે. નોટિસમાં ડિજિટલ પ્લેટફોર્મ, મીડિયા સંસ્થાન, કંટેટ ક્રિએટર્સને ચેતવણી આપી છે કે તેઓ એવું કોઈ કંટેંટ અપલોડ કે બ્રોડકાસ્ટ ન કરે જેનાથી ગોવિંદાની કે તેના પરિવારની છબી ખરાબ થાય. જે આ કામ કરશે તેના વિરુદધ્ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે લીગલ નોટિસ એવા સમયે જાહેર કરવામાં આવી છે જ્યારે રાખી સાવંત ગોવિંદાની લાઈફ પર ચર્ચા કરતી જોવા મળે છે. રાખી સાવંતે મીડિયાની હાજરીમાં સુનિતા આહુજાને કોલ કરી તેની સાથે વાત કરી હતી. આ કોલમાં સુનીતા આહુજાએ કહ્યું હતું કે તેણે ડિવોર્સ કેસ ફાઈલ કર્યો હતો પણ પરત ખેંચી લીધો છે કારણ કે આ લોકો લગ્નના પ્લાનિંગમાં હતા. આમ તો ગોવિંદા સુનીતા આહુજાના બિંદાસ્ત નિવેદનોથી પહેલાથી જ રોષે ભરાયેલો હતો. આ ઘટના પહેલા તેણે પોતે એક વીડિયોમાં સુનીતા આહુજાને બોલવામાં ધ્યાન રાખવાની અને હદમાં રહેવાની વાત કરી હતી. ત્યારબાદ સુનીતા આહુજાએ ફોનમાં કરેલી વાત પછી ગોવિંદા ધુંઆફૂઆ થયો છે અને હવે તેણે કાયદાના રસ્તે ચાલવાનું પસંદ કર્યું છે.

