Mumbai,તા.28
મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્સવની ધૂમ ચાલુ થઈ છે તે સાથે હવે ગણપતિ પોલીટીકસ પણ જોર પકડવા લાગ્યુ છે અને તેમાં ખાસ કરીને રાજ ઠાકરેના નિવાસે સવારે ઉદ્ધવ ઠાકરે અને સાંજે દેવેન્દ્ર ફડનવીસની મુલાકાતે ચર્ચા જગાવી છે. મુખ્યમંત્રી પોતાના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ રાજ ઠાકરેના નિવાસે જે ગણપતિ સ્થાપન થયું હતું ત્યાં દર્શન કરવા પહોંચ્યા હતા અને તેને રાજકીય નજરે પણ જોવામાં આવી રહ્યું છે.
અગાઉ હાલમાં જ ઠાકરે બંધુઓ વચ્ચે સમાધાન થયું હતું અને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે અવારનવાર મળવા લાગ્યા છે તે વચ્ચે ગઈકાલે સવારે ઉદ્ધવ ઠાકરે ખુદ રાજ ઠાકરેના નિવાસે પહોંચીને ગણપતિ સ્થાપનમાં ભાગ લીધો હતો. રાજ ઠાકરેના નિવાસે અનેક નેતાઓની આવન જાવન પણ ચાલુ રહી છે. સાંજે ઓચિંતા જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પહોંચ્યા હતા.
આમ લવ ટ્રાયેંગલ પોલીટીકસની ચર્ચા મહારાષ્ટ્રમાં શરુ થઈ છે. ખાસ કરીને દિવાળીની આસપાસ રાજયમાં મુંબઈ મહાનગરપાલિકા સહિત 29 મહાનગરપાલિકાઓ રાજયભરની 33 જિલ્લા પંચાયતો અને અનેક પંચાયતોની ચૂંટણીઓ આવી રહી છે.
અગાઉ ભાજપથી અલગ પડયા પછી ઉદ્ધવ ઠાકરે એ એક તરફ પેચ-અપ નો પ્રયાસ કર્યો છે. પરંતુ સાથોસાથ ભાજપ ઉપર આક્રમક પણ બની રહ્યા છે તે વચ્ચે ઠાકરે બંધુઓ જે અગાઉ સામે સામે આવ્યા હતા તેઓ પણ હવે એક થયા છે તો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરેની મુલાકાતે પણ ચર્ચા જગાવી છે.
ખાસ કરીને છેલ્લા બે મહિનામાં ઉદ્ધવ અને રાજ ઠાકરે ત્રણ વખત મળ્યા અને ગઈકાલે પણ બે કલાક સાથે રહ્યા હતા અને ઉદ્ધવ ઠાકરે નિકળ્યા પછી દેવેન્દ્ર ફડનવીસ પહોંચ્યા હતા. હવે આ મુલાકાતોએ અટકળોને જોર આપ્યુ છે. ઉદ્ધવ અને રાજ બંને મહાનગરપાલિકા ચુંટણી લડી શકે છે પણ તેમાં ભાજપને તો શિંદે જૂથ અને પવાર જૂથ બંનેને સાચવવાનું છે.