Gandhinagarતા.30
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ હવે ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં તેઓ સાંસદીય ક્ષેત્રમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. આજે સાંજે અમદાવાદ પહોંચ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્તમાન ચાલતા ગણેશ ઉત્સવમાં તેમના સંસદીય ક્ષેત્રમાં ગણપતિના દર્શન કરવા જવાના છે.
જે અંતર્ગત ગજાનન યુવક મંડળ દ્વારા આયોજિત શ્યામલ કા રાજા ગણેશ ઉત્સવમાં દર્શને સાંજે 7ઃ00 વાગ્યે જશે. ત્યાર બાદ સાંજે 8ઃ00 વાગ્યે સરદાર પટેલ સેવાદળ દ્વારા વસ્ત્રાપુર ખાતે આયોજિત 40મા વસ્ત્રાપુરના મહા ગણપતિ ગણેશ મહોત્સવમાં દર્શનાર્થે જવાના છે.
આ ઉપરાંત આવતીકાલે 31 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિવિધ 8 જેટલા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે. જેની શઆત 31 તારીખના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મતવિસ્તારમાં એટલે કે ગોતા વોર્ડ ખાતે નિર્મિત ઓગળજ હેલ્થ કેરનો લોકાર્પણ કાર્યક્રમથી થશે.
તદુપરાંત ચાંદલોડિયા વોર્ડમાં આકાર પામેલા વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું પણ લોકાર્પણ, તથા સાબરમતી વિધાનસભામાં સમાવિષ્ટ રાણીપ ખાતે રાણીપ વોર્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં સવારે 10ઃ00 વાગ્યે સહભાગી થશે, જ્યાં કેન્દ્ર સરકારના ચાલતા એક પેડ માટેના અભિયાનને સાબરમતી વિધાનસભા વેગવંત બનાવશે.
આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્ટેડિયમ વોર્ડમાં તૈયાર થઈ રહેલા અર્બન ફોરેસ્ટ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ નવા વાડજ ખાતે કરશે. સાથે જ સવારે 11ઃ00 વાગ્યે અમદાવાદના પૌરાણિક મંદિર એવા નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે.
આ ઉપરાંત ટોરેન્ટ ગ્રુપ યુએનએમ ફાઉન્ડેશન દ્વારા પુનઃ વિકસિત કરવામાં આવેલા સરદારબાગનું લોકાર્પણ લાલ દરવાજા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થવાનું છે.
આ ઉપરાંત ઘાટલોડિયા વોર્ડમાં વિવિધ સોસાયટીઓના ચેરમેન સેક્રેટરી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વૃક્ષારોપણ ચાણક્યપુરી બ્રિજ પાસે કરશે. સાથે જ ગાંધીનગર ખાતે રામકથા મેદાનમાં એક જાહેર કાર્યક્રમ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષતામાં યોજાશે. જેમાં ડાયલ 112 અંતર્ગત શરૂ કરેલા જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.