માતા સાથે કેટરર્સમાં કામ કરતી વેળા ભોમેશ્વરના અમૃત ઉર્ફે સની બેલમ સાથે પરિચય થયો, “કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ” કહી ધમકી આપી હવસ નો શિકાર બનાવી
Rajkot,તા.27
શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. માતા સાથે કેટરર્સમાં કામ કરતી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી નરાધમે જ્યુબિલી ચોક પાસે આવેલી ઓફિસમાં લઈ જઈ ચાર વખત દુષ્કર્મ આચર્યાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી મુજબ શહેરના થોરાળા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા પોતાની માતા સાથે કેટરર્સમાં કામ કરવા જતી હોય છે. તે દરમિયાન સાથે કામ કરતા ભોમેશ્વર મહાદેવ મંદિર વાળી શેરીમાં રહેતા અમૃત ઉર્ફે સની જયંતીભાઈ બેલમ સાથે તેનો પરિચય થયો હતો. કામ દરમિયાન થયેલા પરિચય બાદ બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ-લે થઈ હતી અને બંને ફોન પર વાતો કરતા થયા હતા.
આરોપીએ સગીરાની ઉંમર નાની હોવાનું જાણવા છતાં તેને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં અલગ-અલગ બહાને તેને પોતાના વાહનમાં બેસાડી જ્યુબિલી ચોક પાસે આવેલ બિલ્ડિંગમાં આવેલી પોતાની ઓફિસમાં લઈ જતો હતો. ઓફિસમાં એકાંતનો લાભ લઈ આરોપીએ સગીરા સાથે ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું.
દુષ્કર્મ બાદ આરોપી અમૃત ઉર્ફે સનીએ સગીરાને ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ. આ ધમકીથી ગભરાયેલી સગીરા ડરી ગઈ હતી અને કોઈને વાત કરી શકી ન હતી. જોકે, સતત ડરમાં રહેતી દીકરીની હાલત જોઈ માતાએ પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતોપરિવારને જાણ થતા સગીરાની માતાએ તાત્કાલિક થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે થોરાળા પોલીસે આરોપી અમૃત ઉર્ફે સની બેલમ ધરપકડ કરી છે.

