ટ્રાયલ કોર્ટે 2024માં એક વર્ષની કેદ અને રૂ.5 લાખ વળતરનો હુકમ કર્યો હતો: vakil હેમાંશુ પારેખની દલીલ માન્ય રાખી સજા કાયમ રખાઈ
Rajkot,તા.27
નાણાકીય વ્યવહારમાં થયેલ ચેક રિટર્ન કેસમાં આરોપીને થયેલ એક વર્ષની સજાના હુકમ સામેની અપીલ સેશન્સ કોન્ટેક ફગાવી દીધી છે. ટ્રાયલ કોર્ટ દ્વારા કરાયેલ એક વર્ષની કેદ અને વળતરનો હુકમ કાયમ રાખી આરોપીને કોર્ટ કસ્ટડીમાં લઈ જેલ હવાલે કરાયો છે.
શહેરના યુનિ. રોડ પર રોયલ પાર્ક,રહેતા વણિક વેપારી અગ્રણી હિતેન શશીકાંત ટોલિયા પાસેથી રેસકોર્સ રીંગ રોડ મેયર બંગલા પાછળ, આદર્શ સોસાયટીમા રહેતા વેપારી ચૈતન્ય જયંતભાઈ વ્યાસએ 2019માં ધંધામાં નાણાંની જરૂરિયાત હોવાથી રૂ.5,00,000 રોકડા લીધા હતા અને તેની પ્રોમિસરી નોટ પણ કરાવી હતી. જે રકમ ચૂકવવા આપેલો ચેક અપૂરતા ભંડોળના કારણે પરત ફર્યો હતો, જેથી ચૈતન્ય વ્યાસ સામે ફરિયાદ નોંધાવી હતી.
કેસ ચાલતા વર્ષ 2024માં ચીફ કોર્ટે આરોપી ચૈતન્ય વ્યાસને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ રૂ.5 લાખ વળતર પેટે 60 દિવસમાં ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો હતો. વળતર ન ચૂકવે તો વધુ 6 માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કરાયો હતો. આ હુકમથી નારાજ થઈ આરોપી ચૈતન્ય વ્યાસએ સેશન્સ અદાલતમાં સજા-વળતરનો હુકમ રદ કરવા અપીલ કરી હતી.
સેશન્સ અદાલતમાં ફરિયાદી તરફે એડવોકેટ હેમાંશુ પારેખે રજૂઆત કરી હતી કે ટ્રાયલ કોર્ટે તમામ દસ્તાવેજો, પુરાવાઓ જોઈને સજા કરી છે. ફરિયાદીએ તમામ બાબતો કાયદેસર પુરવાર કરી છે, જ્યારે બચાવ પક્ષ રકમ મળી નથી કે પરત ચૂકવી દીધી છે તેવો કોઈ બચાવ કરી શક્યો નથી. પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન થયું છે, જેથી સજાનો હુકમ કાયમ રાખી અપીલ રદ કરવા માંગ કરી હતી અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજૂ કર્યા હતા.
સેશન્સ અદાલતે પુરાવા, કાયદાની પરિસ્થિતિ અને ચુકાદાઓને ધ્યાને લઈ ટ્રાયલ કોર્ટનો સજા-વળતરનો હુકમ માન્ય રાખ્યો હતો અને આરોપીને તાત્કાલિક કોર્ટ કસ્ટડીમાં લઈ રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલ્યો હતો.આ કામમાં ફરિયાદી હિતેનભાઈ ટોલિયા તરફે યુવા લો એસોસિએટના કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, કુલદીપ ચૌહાણ, યશપાલ ચૌહાણ, સાગરસિંહ પરમાર સહિતની ટીમ રોકાયેલી હતી.

