હિંસાની ઘટના બાદ વિસ્તારમાં કોમી તણાવ સર્જાયો, જેને ધ્યાનમાં લેતાં વહીવટીતંત્રે કલમ ૧૪૪ લાગુ કરી
Karnataka, તા.૮
કર્ણાટકના માંડ્યામાં ગણપતિ વિસર્જન દરમિયાન કોમી તણાવ સર્જાયો હતો. ગણપતિ વિસર્જન માટે કાઢવામાં આવેલી શોભાયાત્રામાં બે સમુદાયના લોકો વચ્ચે વિવાદ સર્જાતા અથડામણ થઈ હતી. જેમાં આઠ લોકોને ગંભીર ઈજા થઈ હતી.
ગણપતિ બાપ્પાના વિસર્જનની શોભાયાત્રા દરમિયાન અચાનક બે સમુદાયના લોકો વચ્ચે વાદ-વિવાદ થયો હતો. ત્યારબાદ કથિત રૂપે મસ્જિદમાંથી પથ્થરમારો શરૂ થયો હોવાના અહેવાલ છે. આ પથ્થરમારામાં આઠ લોકો ગંભીર રૂપે ઘવાયા હતા. હિંસાની ઘટના બાદ વિસ્તારમાં કોમી તણાવ સર્જાયો છે. જેને ધ્યાનમાં લેતાં વહીવટીતંત્રે કલમ ૧૪૪ લાગુ કરી છે. પથ્થરમારાના આરોપમાં પોલીસે ૨૧ લોકોની ધરપકડ કરી છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે વધારાની ટૂકડી તૈનાત કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, માંડ્યા જિલ્લાના મદ્દુર કસબામાં રવિવારે ભગવાન ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે લઈ જઈ રહ્યા હતા. ત્યારે બે સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક અથડામણ થઈ હતી. બીજા સમુદાયના ઉપદ્રવીઓ દ્વારા કથિત રૂપે શોભાયાત્રા પર કથિત પથ્થરમારો થયા બાદ વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. અશાંતિનો માહોલ ઉભો થયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રામ-રહીમ નગરમાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં બે સમુદાયના લોકો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. બંને સમુદાયના યુવાનો વચ્ચે અથડામણ થતાં પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. પોલીસ અધિક્ષક મલ્લિકાર્જુન બાલાદંડી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ’અમે મદ્દુરમાં વધારાના દળો તૈનાત કર્યા છે અને પ્રતિબંધક આદેશો લાદ્યા છે જેથી તણાવ ન વધે.’
પોલીસની કડક સુરક્ષા વચ્ચે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. મદ્દુરના સંવેદનશીલ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓને શાંતિ જાળવવા વિનંતી કરી છે અને અફવાઓ ફેલાવનારાઓ અથવા સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. જિલ્લા વહીવટીતંત્રે બંને સમુદાયોને સામાન્યતા પુનઃસ્થાપિત કરવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓને સહકાર આપવા અપીલ કરી છે.