Gandhinagar, તા.31
ગુજરાતમાં વધતા જતા ઔદ્યોગીકરણ અને તેની સાથે અને તેની સાથે રાજયની વસ્તીમાં થઈ રહેલા વધારા અને એકંદર સમૃધ્ધિ વધતા રાજયમાં વીજ ઉપયોગ છેલ્લા એક દસકામાં 64 ટકા જેટલો વધી ગયો છે અને તેથી રાજય સરાકાર હવે 2035-36 સુધીમાં રાજયમાં 250 બીલીયન યુનીટ વીજ ઉત્પાદન માટેની તૈયારી કરી રહી છે.
આગામી સમયમાં ગુજરાતમાં જે રીતે ડેટા સેન્ટર અને સેમી ક્નડકટર સહિતના નવા ઉદ્યોગો અગ્રણી ભૂમિકા ભજવશે તેથી વીજ વપરાશ પણ વધશે તે નિશ્ચિત છે. સરકારના આંકડા મુજબ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ દ્વારા 2015-16માં 83133 મીલીયન યુનીટ વીજ ઉત્પાદન થતુ હતું જે 2025-26માં 136722 મીલીયન યુનીટ નોંધાયુ છે. ખાસ કરીને ઉદ્યોગો અને શહેરી ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં હવે વીજ ગ્રાહકોમાં મોટો વધારો થયો છે.
ખાસ કરીને ઔદ્યોગીક વિકાસ 2015-16માં 35097 યુનીટ હતુ તે હવે વધીને 2025-26માં 72726 બીલીયન યુનીટ થયુ છે અને હજુ તેમાં સતત વધારો થઈ રહ્યો છે. નવા ઔદ્યોગીક પાર્ક અને ખાનગી મુડી રોકાણમાં વધારો થતા ઉપરાંત જયોતિગ્રામ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રમાં પણ તબકકાવાર વધારો થઈ રહ્યો છે.
શહેરી ક્ષેત્રોમાં કોમર્શીયલ પ્રવૃતિ ઉપરાંત ઘરેલુ ઉપયોગ પણ વધી રહ્યો છે અને રાજયમાં આગામી 10 વર્ષમાં કુલ ઈલેકટ્રીક માંગ 250 બીલીયન યુનીટની થશે તેવો અંદાજ મુકવામાં આવે છે.
એક તરફ સરકારે રાજયમાં એક જ વિજળી બોર્ડના બદલે 4 ઝોન મુજબ અલગ અલગ વીજ કંપનીઓ સ્થાપી છે જેના કારણે વિતરણ વ્યવસ્થા વધુ સારી બની છે અને ફોલ્ટમાં પણ મહત્વપૂર્ણ રીતે ઘટાડો થયો છે તથા હવે રાજયમાં હવે અંડરગ્રાઉન્ડ વીજ વાયરો વગેરેની વ્યવસ્થાથી અને વધુને વધુ ટ્રાન્સફોર્મર મુકીને વીજ સુવિધા વિક્ષેપ વગર ચાલુ રહે તે નિશ્ચિત કર્યું છે.
2030 સુધીમાં રાજયના તમામ શહેરી વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ એટલે કે વાયર ફ્રી સીટી બનાવવાનું આયોજન છે. આમ વધુ સારી વીજળી વ્યવસ્થાથી તેનો વપરાશ વધ્યો છે તે પણ મહત્વનું છે.
રાજયમાં આ ઉપરાંત બીનપરંપરાગત વીજળી ઉત્પાદન પણ વધ્યુ છે ખાસ કરીને સોલાર વીજની વ્યવસ્થા હવે ઘર ઘર સુધી પહોંચવા લાગી છે જેના કારણે પણ વીજ વપરાશમાં એક મહત્વની રાહત પણ મળી છે.

