Colombo, તા. 31
ભારતીય ટીમ ત્રણ અઠવાડિયા પહેલાં ઘણાં સવાલો સાથે શ્રીલંકા પહોંચી હતી. બે ટેસ્ટ મેચો દરમિયાન દેવદત્ત પડિક્કલે ત્રીજા નંબરનો કોયડો ઉકેલી દીધો. જોકે, નીચલા ક્રમનાં બેટ્સમેનોને આઉટ ન કરી શકવાને કારણે બોલિંગ પર સવાલો ઊભા થયાં છે.
પડિક્કલે સિરીઝમાં બેકફૂટ પર શાનદાર રમત અને સચોટ ફૂટવર્કથી સ્પિનરોનો સામનો કર્યો. પડિક્કલે હાલમાં બેટિંગ ક્રમમાં ત્રીજા નંબર પર પોતાનો દાવો મજબૂત કરી દીધો છે. ભલે સાઈ સુદર્શન ટીમમાં પાછા કેમ ન આવી જાય. કેપ્ટન શુભમન ગિલે પણ રમુજી અંદાજમાં કહ્યું, `જો તેઓ આ રીતે રમતાં રહેશે, તો અમે ચોક્કસપણે તેમને ત્રીજા નંબર પર રાખીશું.’
જુરેલે આપ્યો વિકલ્પ
ધ્રુવ જુરેલે નીચલા ક્રમમાં ભારતને પોતાની બેટિંગથી વ્યૂહાત્મક ફેરફારનો વિકલ્પ આપ્યો છે. તે છઠ્ઠા નંબર પર સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે રમી રહ્યાં છે. જુરેલની ખાસિયત એ છે કે તેઓ જરૂરિયાત મુજબ પોતાની રમત બદલી શકે છે. તે એકદમ શાંત સ્થિતિમાંથી અચાનક ઝડપથી રન બનાવી શકે છે અથવા મુશ્કેલ પરિસ્થિતિઓમાં ધીરજ સાથે બેટિંગ કરી શકે છે.
સુથારનો દાવો મજબૂત
ડાબોડી સ્પિનર માનવ સુથારે ગોલમાં ડ્રિફ્ટ, ઉછાળ અને ટર્નનો પૂરો ફાયદો ઉઠાવ્યો. એનું પરિણામ એ આવ્યું કે તેમણે મેચમાં 10 વિકેટ ઝડપી. જોકે, કોલંબોની પિચ પર આ બધી બાબતો ખૂબ ધીમી ગતિએ થઈ. ગોલમાં લગભગ 80-85 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી, પરંતુ અહીં તેમને ઝડપ લગભગ 10 કિમી પ્રતિ કલાક વધારવી પડી.
નીચલા ક્રમના બેટ્સમેન બન્યાં મુશ્કેલી
નીચલા ક્રમના બેટ્સમેનોને આઉટ કરવામાં ભારતીય બોલરોના પરસેવા છૂટી રહ્યાં છે. શ્રીલંકન બેટ્સમેનોએ બીજી ઇનિંગ્સમાં લગભગ પાંચ સત્ર સુધી બેટિંગ કરી અને કોલંબો ટેસ્ટ ડ્રો કરાવવામાં સફળ રહ્યાં.
પદાર્પણ (ડેબ્યૂ) કરી રહેલા ઓફ-સ્પિનર સારાંશ જૈન બહુ પ્રભાવ પાડી શક્યા નહીં. આ કારણે ગોલ ટેસ્ટમાં સરેરાશ પ્રદર્શન કરનારા કુલદીપ યાદવને બહાર રાખવા પર ચર્ચા થઈ શકે છે.

