તા. ૨ અને ૩ સપ્ટેમ્બરે નેવી બેન્ડ દ્વારા વિવિધ ૧૩ જેટલી સંગીતની મનમોહક ધૂનો રજૂ કરાશે
Rajkot તા. ૩૧
રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે આગામી તા. ૨ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા વિરાસતથી વિકાસ લોકમેળો ૨૦૨૬માં આ વર્ષે એક વિશેષ આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. વિશ્વભરમાં પોતાના ઉત્કૃષ્ટ પરફોર્મન્સ માટે જાણીતું ભારતીય નૌકાદળ બેન્ડ (નેવી બેન્ડ) લોકમેળામાં તા. ૨ અને ૩ સપ્ટેમ્બરના રોજ શાનદાર પરફોર્મન્સ રજૂ કરશે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સહભાગી થવા માટે નેવી બેન્ડને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકોટના લોકમેળાના ઈતિહાસમાં પહેલીવાર નેવી બેન્ડ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવા માટે સામેલ થઈ રહ્યું છે.
મેળાના પ્રથમ દિવસે, તા. ૨ સપ્ટેમ્બરે ઉદૃઘાટન પ્રસંગે લોકગાયક ગોપાલ ભરવાડની સાથે અને તા. ૩ સપ્ટેમ્બરે નેવી બેન્ડ દ્વારા સાંજે ૭થી ૮ દરમિયાન મુલાકાતીઓ માટે મનોહર સંગીત રજૂ કરવામાં આવશે.૧૮ જેટલા નૌ સેનાના જવાનોની ટીમ બેન્ડ પર દેશભક્તિના ગીતો પર સંગીતની સૂરાવલીઓ વહાવીને માહોલમાં જોશ ભરી દેશે. આ બેન્ડ દ્વારા વંદે માતરમ, સમુદ્ર દર્શક, દેશ મેરે, લક્ષ્ય થીમ, તેરી મિટ્ટીમેં મિલજાવા… સહિત વિવિધ ૧૩ પ્રકારની મેલોડીઝ રજૂ કરવામાં આવશે. આ સાથે બેક ગ્રાઉન્ડમાં વીડિયોમાં નૌ સેનાના શૌર્યની ઝાંખી પણ જોવા મળશે.નોંધનીય છે કે, વર્ષ ૧૯૪૫માં મુંબઈ ખાતે ’રોયલ ઇન્ડિયન નેવી બેન્ડ’ની સ્થાપના થઈ હતી. આ બેન્ડ સ્વતંત્રતા બાદ ’ઈન્ડિયન નેવી બેન્ડ’ તરીકે ઓળખાયું, જેનું મુખ્ય મથક આઈ.એન.એસ. કુંજલી મુંબઈ ખાતે છે.
આ બેન્ડ શાસ્ત્રીય સંગીત, મિલિટરી માર્ચ, દેશભક્તિ ગીતો, જૅઝ અને પોપ મ્યુઝિકનું અદભુત મિશ્રણ રજૂ કરે છે. જેમાં બ્રાસ, વુડવિન્ડ અને વિવિધ વાદ્યો જેવા કે સેક્સોફોન, ટ્રમ્પેટ, ફ્લૂટ, ક્લેરિનેટ અને ડ્રમ્સનો ઉપયોગ થાય છે.નેવીના શિસ્તબદ્ધ અને વિશેષ તાલીમબદ્ધ સૈનિકો દ્વારા ગણતંત્ર દિવસ, બીટિંગ રિટ્રીટ સમારોહ તેમજ આંતરરાષ્ટ્રીય મિલિટરી મ્યુઝિક ફેસ્ટિવલમાં ભારતનું ગૌરવવંતું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.

