આલેખનઃ સંદિપકુમાર
પબાળલગ્ન-મુક્ત ભારત અભિયાન વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપનને સાકાર કરવા સૌનો સાથ જરૂરી
બાળલગ્નને રોકવા સ્થાનિક અધિકારીઓ, હેલ્પલાઈન તેમજ ઓનલાઈન પોર્ટલ્સ પર જાણ કરી શકાય છે
Rajkot, તા. ૨૬ઃ
વિશ્વમાં ૨૭મી નવેમ્બર આંતરરાષ્ટ્રીય Anti-Child Marriage Day તરીકે મનાવવામાં આવે છે. ભારતમાંથી બાળલગ્નની બદીને નાબૂદ કરવા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ૨૭ નવેમ્બર ૨૦૨૪ના રોજ બાળલગ્ન-મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેને બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ, આ વર્ષે ૨૧ ઓક્ટો.થી ૨૧ ડિસે. સુધી ૧૦૦ દિવસ માટે સમગ્ર દેશમાં આ અભિયાન પુનઃ શરૂ કરવામાં આવેલું છે. બાળલગ્ન જેવી બદીને રોકવા માટે સરકારી તંત્રના સક્રિય પ્રયાસોની સાથે નાગરિકોની સક્રિય ભાગીદારી પણ ખૂબ જરૂરી છે.
બાળલગ્ન-મુક્ત ભારત અભિયાન અભિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના વિઝનથી પ્રેરિત છે. આ વિઝનને સાકાર કરવા જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓ અને દીકરીઓની સંપૂર્ણ, સમાન અને અર્થસભર ભાગીદારી જરૂરી છે. આ માટે જરૂરી છે કે દીકરીઓના જન્મથી જ તેમની જીવનયાત્રાના દરેક તબક્કે આવતા પ્રશ્નો અને પડકારોનું નિરાકરણ હોલ ઓફ ગવર્નમેન્ટ (સમગ્ર સરકાર) અને હોલ ઓફ સોસાયટી (સમગ્ર સમાજ)ના સહિયારા અભિગમ દ્વારા કરવામાં આવે.
બાળલગ્ન એક સામાજિક દૂષણ છે. નિષ્ણાતો અને સામાજિક કાર્યકરોના મતે, ઓછી ઉંમરે લગ્ન થવાથી સૌથી વધુ નુકસાન કિશોરીઓને થાય છે. બાળલગ્નને કારણે તેમનું શિક્ષણ અધવચ્ચે જ અટકી જાય છે અને નાની ઉંમરે માતૃત્વ ધારણ કરવાથી માતા તથા નવજાત શિશુ બંનેના સ્વાસ્થ્ય અને જીવ પર ગંભીર જોખમ ઊભું થાય છે. પરિણામે, પરિવાર અને સમાજમાં ગરીબી, કુપોષણ તથા અસમાનતાનું વિષચક્ર સતત ચાલતું રહે છે. કાયદાના કડક અમલ અને જનજાગૃતિ દ્વારા આ દૂષણને અટકાવી શકાય તેમ છે.
બાળલગ્ન એ માત્ર સામાજિક બદી જ નહીં, પરંતુ કાયદાકીય ગુનો પણ છે. ભારતમાં બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ, ૨૦૦૬ હેઠળ ૧૮ વર્ષથી ઓછી વયની યુવતી અને ૨૧ વર્ષથી ઓછી વયના યુવકના લગ્ન કરવા, કરાવવા કે તેમાં મદદ કરવી એ ફોજદારી ગુનો છે. સમાજમાં ક્યાંય પણ બાળલગ્ન થતા જણાય તો એક જાગૃત નાગરિક તરીકે તેની તાત્કાલિક જાણ કરવી જોઈએ.
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બાળલગ્ન અટકાવવા માટે ૨૪x૭ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબરો અને ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ફરિયાદ કરનાર વ્યક્તિની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે.
તાત્કાલિક મદદ અને ફરિયાદ માટેની મહત્ત્વપૂર્ણ વિગતો
૧. ૨૪x૭ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબરો
– ૧૦૯૮ (ચાઈલ્ડલાઈન – Childline) બાળકોની સુરક્ષા અને બાળલગ્ન અટકાવવા માટેની સૌથી મુખ્ય રાષ્ટ્રીય હેલ્પલાઈન. કોલ મળતા જ નજીકની ટીમ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી કરે છે.
– ૧૧૨ (ઈમરજન્સી રિસ્પોન્સ – ERSS) જો લગ્ન પ્રસંગ ચાલુ હોય અને તાત્કાલિક પોલીસ મદદની જરૂર હોય, તો આ રાષ્ટ્રીય ઈમરજન્સી નંબર પર સંપર્ક કરી શકાય છે.
– ૧૮૧ (અભયમ મહિલા હેલ્પલાઈન) ગુજરાતમાં દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા તથા તાત્કાલિક મદદ માટે ૨૪ કલાક કાર્યરત હેલ્પલાઈન.
૨. ઓનલાઈન પોર્ટલ અને વેબસાઈટ
– બાળવિવાહ-મુક્ત ભારત પોર્ટલ (stopchildmarriage.wcd.gov.in http//stopchildmarriage.wcd.gov.in/) કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના આ સત્તાવાર પોર્ટલ પર જઈને નાગરિકો Report a Child Marriage વિકલ્પ દ્વારા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે. આ ઉપરાંત અહીં બાળલગ્ન ન કરવા/થવા દેવા અંગેની પ્રતિજ્ઞા (Pledge) લઈ શકાય છે તેમજ પોતાના વિસ્તારના બાળલગ્ન પ્રતિબંધ અધિકારી (CMPO) ની વિગતો પણ મેળવી શકાય છે.
– રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (ncpcr.gov.in http//ncpcr.gov.in/) બાળ અધિકારોના ઉલ્લંઘન અને બાળલગ્ન સંબંધિત ઓનલાઈન ફરિયાદ માટે ઈ-બાળ નિદાન પોર્ટલનો ઉપયોગ કરી શકાય છે.
૩. સ્થાનિક કક્ષાએ સંપર્ક
જો રૂબરૂ જાણ કરવી હોય તો જિલ્લા કક્ષાએ બાળલગ્ન પ્રતિબંધ અધિકારી (CMPO) એટલે કે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU)નો સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત ગ્રામ્ય અને તાલુકા સ્તરે તલાટી-કમ-મંત્રી, સરપંચ, આંગણવાડી કાર્યકર, શાળાના આચાર્ય અથવા મામલતદારશ્રીને પણ જાણ કરી શકાય છે.
ફરિયાદ કરતી વખતે કઈ માહિતી આપવી?
વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી થઈ શકે તે માટે ફરિયાદ કરતી વખતે નીચે મુજબની પ્રાથમિક વિગતો આપવી હિતાવહ છે
– વર અને કન્યાના નામ તથા તેમની અંદાજિત ઉંમર.
– લગ્નનું ચોક્કસ સ્થળ (ગામ, શેરી, વિસ્તારનું સરનામું કે નજીકનું જાણીતું સ્થળ).
– લગ્નની તારીખ અને અંદાજિત સમય.
– વર-કન્યાના માતા-પિતાનું નામ (જો જાણકારી હોય તો).
આંતરરાષ્ટ્રીય બાળલગ્ન વિરોધી દિવસે સૌ નાગરિકો બાળલગ્ન અટકાવવામાં સહભાગી બની દીકરીઓને ભણવા અને આગળ વધવાની પૂરતી તક આપે તેમજ વિકસિત ભારત ૨૦૪૭ના નિર્માણમાં યોગદાન આપે તે જરૂરી છે.

