Mumbai,તા.10
અભિનેતા સલમાન ખાન સામે ફરી એક વાર ડાયરેક્ટર અભિનવે કટાક્ષ કર્યો છે. અભિનવે સલમાન અને તેના પરિવાર પર આરોપ લગાવતા અભિનેતાને ગુંડા સાથે સરખાવ્યો છે. અભિનવે સલમાનની સુપરહિટ ફિલ્મ ‘દબંગ’ને ડાયરેક્ટ કરી હતી. ત્યારબાદ તેનો સલમાન સાથે ઝગડો થયો. હવે ફરી એક વાર અભિનવે સલમાન ખાન અને તેના પરિવારને લઈને મોટી વાત કરી હતી.
અભિનવે એક ઇન્ટરવ્યૂમાં સલમાનને લઈને ઘણા મોટા ખુલાસા કર્યા. તેણે કહ્યું, ‘સલમાનને અભિનયમાં કોઈ રસ નથી. તે છેલ્લા 25 વર્ષથી સેલિબ્રિટી હોવાનો પાવર દેખાડે છે. તે સેટ પર આવીને અમારી ઉપકાર કરતો હોય તેવું બતાવે છે. મે દબંગનું દિગ્દર્શન કર્યું છે પણ મને આ વાતની જાણ નહોતી કે તે એક ગુંડો છે. સલમાન અહંકારી અને ખરાબ માણસ છે.’
અભિનવે ઇન્ટરવ્યૂમાં સલમાનના પરિવારને લઈને પણ ઘણી બધી વાત કહી. અભિનવે કહ્યું કે,’સલમાને બોલિવૂડમાં સ્ટાર સિસ્ટમ ઊભી કરી છે. તે એક એવા ફિલ્મી પરિવારથી આવે છે જે ઇન્ડસ્ટ્રીમાં 50 વર્ષોથી છે. તે માત્ર આ પ્રોસેસને આગળ વધારી રહ્યો છે અને પૂરી પ્રોસેસ પર કંટ્રોલ કરે છે. જો તમે તેની પ્રોસેસ પ્રમાણે નહીં ચાલો તો તે તમારા પાછળ પડી જશે.’ રસપ્રદ વાત એ છે કે અભિનવ અનુરાગ કશ્યપનો નાનો ભાઈ છે. તેણે તેની વાતચીતમાં આગળ આ ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો છે જ્યારે અનુરાગ સલમાનની ફિલ્મ ‘તેરે નામ’ની સ્ક્રિપ્ટ લખી રહ્યો હતો. અભિનવએ કહ્યું કે ,’દબંગ ફિલ્મ બનાવતા પહેલા જ અનુરાગે મને ચેતવણી આપી હતી. તેણે કહ્યું હતું કે તુ સલમાન સાથે ફિલ્મ બનાવી નહીં શકે, પણ તેણે એ ન જણાવ્યું કે શા માટે હું સલમાન સાથે ફિલ્મ નહીં બનાવી શકું. અનુરાગે એવું વિચાર્યું કે હું સલમાન સાથે કામ કરીને ખૂબ હેરાન થઈ જઈશ, કારણકે તે સલમાનના સ્વભાવને જાણે છે. જણાવી દઈએ કે પ્રોડ્યુસર બોની કપૂર સાથે ઝગડો થયા બાદ અનુરાગે ‘તેરે નામ’ ફિલ્મ અંતમાં છોડી દીધી. અને આ જ વસ્તુ મારી સાથે થઈ’.
વર્ષ 2010 માં દબંગ હિટ થઈ, ત્યારે ખાન પરિવારે અભિનવને તેનો ભાગ 2 પણ દિગ્દર્શિત કરવા કહ્યું હતું. પરંતુ તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. અભિનવે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેણે દબંગ 2 બનાવવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે ખાન પરિવારે તેની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપી હતી. ત્યારથી, અભિનવ સુપરસ્ટાર અને પરિવાર વિરુદ્ધ બોલતો જોવા મળે છે.જોકે, સલમાને ક્યારેય અભિનવના કટાક્ષભર્યા નિવેદનનો જાહેરમાં જવાબ આપ્યો નથી. સલમાન ખાન વિશે વાત કરીએ તો, ‘સિકંદર’ ના ફ્લોપ થયા પછી, અભિનેતા તેની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ ની તૈયારીમાં વ્યસ્ત છે. જેનું નિર્દેશન અપૂર્વ લાખિયા કરશે. આ ફિલ્મમાં સલમાન સાથે ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.