New Delhi, તા. 1
ભારતનાં પ્રાયમરી માર્કેટ (IPO માર્કેટ) માટે સપ્ટેમ્બર મહિનો ધમાકેદાર રહેવાની પૂરેપૂરી શક્યતા છે. દેશની વિવિધ કંપનીઓ આ મહિના દરમિયાન આઈપીઓ મારફતે રૂ. 20,000 થી 25,000 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. શેરબજારની અસ્થિરતાને કારણે અગાઉ અટકેલા આઈપીઓ હવે માર્કેટની સુધરેલી સ્થિતિને કારણે ઝડપથી લોન્ચ કરવામાં આવી રહ્યાં છે.
મૂડીબજાર નિયામક સેબીની મંજૂરીની સમયસીમા પૂર્ણ થઈ રહી હોવાથી લગભગ 25 જેટલી કંપનીઓ સપ્ટેમ્બરના અંત પહેલાં પોતાનાં પબ્લિક ઈશ્યૂ માર્કેટમાં મૂકવા માંગે છે. આ પાઈપલાઈનમાં નાની, મધ્યમ અને મોટી એમ તમામ પ્રકારની કંપનીઓ સામેલ છે, જેમાંથી ઘણી કંપનીઓ રૂ. 500 કરોડથી વધુ રકમ ભંડોળ સ્વરૂપે એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે.
અગાઉ એપ્રિલ મહિનામાં સેબીએ તે તમામ કંપનીઓને ખાસ રાહત આપી હતી જેમના આઈપીઓ મંજૂરીની મુદત એપ્રિલથી સપ્ટેમ્બર 2026 વચ્ચે પૂરી થતી હતી. ગ્લોબલ તણાવ અને બજારની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને સેબીએ તેમને 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. હવે જો આ કંપનીઓ 30 સપ્ટેમ્બર સુધીમાં IPO નહીં લાવે તો તેમણે ફરીથી નવી મંજૂરી લેવી પડશે.
જેએમ ફાઇનાન્શિયલના ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ વિભાગના એમડી અને સીઇઓ સોનિયા દાસગુપ્તાના જણાવ્યાં અનુસાર, વર્ષનાં પ્રથમ છ મહિનામાં રોકાણકારો અને કંપનીઓમાં જે સાવચેતીનો માહોલ હતો તે હવે દૂર થઈ રહ્યો છે. હાલમાં સુધરેલું માર્કેટ સેન્ટિમેન્ટ અને તાજેતરમાં લિસ્ટ થયેલા આઈપીઓનું સારું પ્રદર્શન કંપનીઓને પોતાના શેરબજાર પ્રવેશે પ્રોત્સાહિત કરી રહ્યું છે.
નિષ્ણાતોના મતે સપ્ટેમ્બર મહિનામાં આવી રહેલો આઈપીઓનો ઉભરો ભારતીય મૂડીબજારની મજબૂતી દર્શાવે છે. રોકાણકારો માટે આગામી દિવસોમાં વિવિધ ક્ષેત્રોની કંપનીઓમાં રોકાણ કરવાના શ્રેષ્ઠ વિકલ્પો ઉપલબ્ધ બનશે, જેનાથી પ્રાયમરી માર્કેટમાં મોટો આર્થિક સળવળાટ જોવા મળશે.

