બોલિવૂડ કલાકારો અક્ષયકુમાર, સૌરભ શુક્લા અને અરશદ વારસીની આગામી ફિલ્મ જોલી એલએલબી-3 ના ટીઝરમાં ન્યાયધીશના પાત્ર અયોગ્ય રીતે રજૂ કરતું હોવાની રજૂઆત સાથે ફિલ્મના ટીઝર અને ફિલ્મ પર સ્ટે મૂકવાની માગ કરતી અરજી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી આવતીકાલે જસ્ટિસ નિરલ મહેતાની કોર્ટમાં સુનાવણી માટે લિસ્ટ કરાઈ છે.
અરજદાર યતીન દેસાઈ દ્વારા પાર્ટી ઇન પર્સન તરીકે કરવામાં આવેલી અરજીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટિફિકેશન, ડાયરેકટર સુભાષ કપૂર, એકટર અક્ષય કુમાર, અરશદ વારસી અને સૌરભ શુકલાને પ્રતિવાદી પક્ષકાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. રિટ અરજીમાં ફિલ્મના ટીઝરને અપાયેલા સર્ટિફિકેશનને પણ પડકારવામાં આવ્યું છે.
અરજીમાં માગણી કરવામાં આવી છે કે આ મૂવીના ટીઝરમાં ન્યાયાધીશ ને અયોગ્ય ભાષામાં વાત કરતા બતાવ્યા છે અને તેનું ફિલ્મમાં ન્યાયિક કાર્યવાહીને હાસ્યાસ્પદ વર્ણનમાં ફેરવીને કોર્ટની ગરિમાને ઓછી કરવાનો પ્રયાસ થયો છે.
અરજીમાં માગણી કરવામાં આવી છે કે ફિલ્મ ના રિલીઝ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માગતા નથી પરંતુ તેની રિલીઝ પહેલા નિવૃત ન્યાયમૂર્તિઓ, ન્યાયમૂર્તિઓ અને વકીલોની કમિટી દ્વારા તેનું મૂલ્યાંકન કરાવવું જોઈએ. અગાઉની જોલી એલએલબી-2 ફિલ્મમાં પણ કેટલાક વાંધા જનક દૃશ્યો હતા અને દૂર કરવામાં આવ્યા હતા. મૂવીના કેટલાક દૃશ્યો અદાલતના તિરસ્કાર સમાન છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ જોલી એલએલબી-3 તા.19 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે ત્યારે તે પહેલાં તા.1-8-2025ના રોજ ફિલ્મના ટીઝરનું સીબીએફસી દ્વારા સર્ટિફિકેટ ઇશ્યુ કરાયુ છે, ટીઝરમાંન્યાયાધીશના અયોગ્ય ચિત્રણ બતાવવામાં આવ્યું છે.
તા.12-8-2025ના રોજ જોલી એલએલબી-3 ટીઝર રિલીઝ થયા બાદ તે યુટયુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને એક્સ ટવીટર ડીજીટલ અને સોશ્યલ મીડિયામાં વાયરલ કરાયું હતું. ફિલ્મમાં ન્યાયાધીશ તેમ જ અન્ય પાત્રોના ડાયલોગમાં પણ મર્યાદાયુકત શબ્દોનો પ્રયોગ કરાયો નથી, જેના કારણે ન્યાયિક ગરિમા અને બંધારણીય જોગવાઇઓનું હનન થાય છે, જે ન્યાયતંત્ર, વકીલઆલમ અને સમાજ માટે એક ચિંતાનો વિષય બની રહે છે.
તેથી ન્યાયના હિતમાં ફિલ્મના રિલીઝ પહેલાં કોઇપણ સંજોગોમાં ટીઝર પર સ્ટે ફરમાવવામાં આવે. સાથે સાથે ફિલ્મને પણ તા.19મી સપ્ટેમ્બરે રિલીઝ કરતાં પહેલા તેનું કમિટી દ્વારા રિવ્યૂ કરવામાં આવે.