New Delhi, તા.11
ભારતનું IPO બજાર ધીમું નથી થઈ રહ્યું. બુધવારે, એક સાથે 5 IPO ખુલ્યા અને રોકાણકારોએ જોરદાર બોલી લગાવી. બધા જ ઇશ્યૂ થોડા કલાકોમાં સંપૂર્ણ રીતે સબસ્ક્રાઇબ થઈ ગયા.
આમાંથી ત્રણ IPO એ માત્ર 4 કલાકમાં લગભગ રૂ. 2,700 કરોડ એકત્ર કર્યા. નવા IPO માટેનો આ ઉત્સાહ સ્પષ્ટપણે દર્શાવે છે કે બજારમાં હજુ પણ લિક્વિડિટીની જબરદસ્ત લહેર છે. આ વર્ષે અત્યાર સુધીમાં પ્રાથમિક બજારમાં રૂ. 60,000 કરોડથી વધુ એકત્ર કરવામાં આવ્યા છે.
દેશની ટેક-આધારિત હોમ સર્વિસ કંપની અર્બન કંપનીને બુધવારે બપોર સુધીમાં 10.7 કરોડ શેર સામે 20.4 કરોડથી વધુની બોલી મળી હતી. એટલે કે બમણાથી વધુ. 98-103 રૂપિયાના પ્રાઇસ બેન્ડ પર, આ લગભગ 2,109 કરોડ રૂપિયાનું બુકિંગ થાય છે. જ્યારે કંપનીનો લક્ષ્યાંક ફક્ત 1,900 કરોડ રૂપિયા હતો.
ફ્લેક્સ વર્કસ્પેસ સોલ્યુશન્સ ફર્મ ડેવ એક્સિલરેટરને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. કંપનીને 4.57 કરોડ બોલીઓ મળી, જે 1.31 કરોડ શેરના ઇશ્યૂ કરતા 3.5 ગણી વધુ છે. 156-61 રૂપિયાના ભાવે, કંપનીને શરૂઆતના કલાકોમાં જ 280 કરોડ રૂપિયા મળ્યા, જે તેના લક્ષ્યાંકથી લગભગ બમણા છે.
જ્વેલરી બનાવતી કંપની શ્રૃંગાર હાઉસ મંગલસૂત્રે પણ ટૂંક સમયમાં પૂર્ણ સબ્સ્ક્રિપ્શન મેળવ્યું. ઓફર કરાયેલા 1.70 કરોડ શેર સામે 2.03 કરોડ શેર માટે બિડ મળી હતી. 165 ના ઉપલા ભાવે, આ લગભગ રૂ. 335 કરોડનું રોકાણ થાય છે. તેનું ઇશ્યૂ કદ રૂ. 401 કરોડ હતું. કુલ મળીને, આ ત્રણેય IPO એ ખુલ્યાના થોડા કલાકોમાં લગભગ રૂ. 2,700 કરોડ એકત્ર કર્યા.
વિશ્લેષકો કહે છે કે, આ ત્રણેય IPO 12 સપ્ટેમ્બર સુધી ખુલ્લા રહેશે. ભારત વિશ્વના અગ્રણી IPO બજારોમાંનું એક છે. બજારે 2024 માં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ એકત્ર કર્યા હતા અને 2025 માં પણ ઉત્સાહ ચાલુ રહેશે. પ્રાઇમડેટાબેઝના ડેટા અનુસાર, સેબીએ લગભગ રૂ. 1.14 લાખ કરોડના ઇશ્યૂને લીલી ઝંડી આપી દીધી છે. રૂ. 1.64 લાખ કરોડના ઇશ્યૂ મંજૂરી માટે પેન્ડિંગ છે.