Vadodara,તા.02
દવાઓ બનાવવાનું રો મટિરિયલ ખરીદી ૨.૪૮ કરોડનું પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરનાર દવા બનાવતી કંપનીના ત્રણ ભાગીદારો સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
માંજલપુર મોનાલીસા કોમ્પલેક્સ પાસે ધવલ એપાર્ટમેન્ટમાં રહેતા અને ફાર્માસ્યુટિક રો મટિરિયલનો વેપાર કરતા દેવાંગ ઘનશ્યામભાઇ જોશીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા મિત્ર મનીષ ગોરના મિત્ર આબિદઅલી મોહંમદ ચીડુયા આબિદઅલી સ્ટાયરન હેલ્થ કેર નામની ભાગીદારી પેઢી દ્વારા દવા બનાવવાનું કામ કરે છે. આબિદઅલીએ રો મટિરિયલની જરૃર અંગે વાત કરી હતી.તા.૧૨-૦૮-૨૦૨૪ ના રોજ તેણે પરચેઝ ઓર્ડર મોકલ્યો હતો. કુલ છ પ્રોડક્ટ્સનું ૩૭.૩૩ લાખનું રો મટિરિયલનો પરચેઝ ઓર્ડર હતો. જે પરચેઝ ઓર્ડરમાં જણાવ્યા મુજબ મેં અમારી અકસ્યુરા હેલ્થ કેર એલ.એલ.પી. મારફતે અલગ – અલગ કંપનીમાંથી રો મટિરિયલ ખરીદી પહોંચાડયું હતું. ત્યારબાદ અલગ – અલગ ૮ જેટલા પરચેઝ ઓર્ડર મોકલી કુલ ૨.૪૮ કરોડની રકમની ચૂકવણી કરી નહતી. જે અંગે સ્ટાયરન હેલ્થ કેરના ભાગીદારો આબિદઅલી મોહંમદભાઇ ચીડુયા (૨) મંજુરઅલી મોહંમદભાઇ ચીડુયા તથા (૩) અકબર અલી મોહંમદભાઇ ચીડુયા ( તમામ રહે.પીરાના રોડ,ઓડ, તા.દસકોઇ, જિ.અમદાવાદ તથા મોહમદીબાગ,જુહાપુરા, અમદાવાદ) સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

