Washington, તા. 2
અમેરિકાનાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે બાળકોનાં નવા પાસપોર્ટ બનાવવા માટે માતા-પિતા પાસે તેમની પોતાની નાગરિકતા અથવા ઇમિગે્રશન સ્થિતિ (વિઝા સ્ટેટસ) ના પુરાવા માંગવાની તૈયારી કરી છે.
પ્રસ્તાવિત નિયમો મુજબ, પાસપોર્ટની અરજી સાથે માતા-પિતાએ પોતાનો યુ.એસ. પાસપોર્ટ, જન્મનું પ્રમાણપત્ર, ગ્રીન કાર્ડ અથવા I-94 ફોમ રજૂ કરવું પડશે. આ પગલું પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના તે આદેશનો ભાગ છે જેનો હેતુ “બર્થ ટૂરિઝમ” એટલે કે માત્ર બાળકને નાગરિકતા અપાવવા માટે અમેરિકા જઈને ડિલિવરી કરાવવી પર રોક લગાવવાનો છે.
અત્યાર સુધી લાગું નિયમ મુજબ, અમેરિકામાં જન્મેલાં બાળકનાં પાસપોર્ટ માટે અરજી કરતી વખતે માતા-પિતાએ માત્ર બાળક સાથેનો પોતાનો સંબંધ અને ફોટો આઈડી બતાવવાનું રહેતું હતું. અરજી ફોર્મમાં નાગરિકતા વિશે પૂછવામાં ચોક્કસ આવતું, પરંતુ માતા-પિતાની નાગરિકતાના અલગથી દસ્તાવેજી પુરાવા આપવા ફરજિયાત નહોતા. હવે નવા ડ્રાફ્ટ ગાઇડલાઇન્સ મુજબ બાળકની નાગરિકતાની પાત્રતા નક્કી કરતાં પહેલાં માતા-પિતાના સ્ટેટસની ચકાસણી કરવામાં આવશે.
ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે હાલનાં નિયમોનો ગેરલાભ ઉઠાવીને ઘણાં વિદેશી નાગરિકો બર્થ ટૂરિઝમ દ્વારા નાગરિકતા મેળવી રહ્યાં છે. આ અગાઉ ટ્રમ્પે એક આદેશ બહાર પાડ્યો હતો.
જેમાં બાળકને આપોઆપ નાગરિકતા મેળવવા માટે માતા-પિતામાંથી કોઈ એક અમેરિકન નાગરિક અથવા ગ્રીન કાર્ડ હોલ્ડર હોવું જરૂરી બનાવવામાં આવ્યું હતું. જોકે, સુપ્રીમ કોર્ટે 6-3ની બહુમતીથી તે આદેશને 14મા બંધારણીય સુધારાનું ઉલ્લંઘન ગણાવીને રદ કર્યો હતો.
ત્યારબાદ ઓગસ્ટમાં ટ્રમ્પે એક નવો અને વધુ સીમિત આદેશ બહાર પાડ્યો છે, જે મુખ્યત્વે વિદેશી સરકારી કર્મચારીઓ અને ચોક્કસ કેટેગરીના અન્ય વિદેશી નાગરિકોનાં બાળકોને લક્ષ્ય બનાવે છે.
બીજી તરફ, નવો આદેશ લાગું થાય તે પહેલાં જ તેની સામે અમેરિકાની કોર્ટમાં કાનૂની પડકારો અને અરજીઓ દાખલ થઈ ચૂકી છે. સરકારી વકીલોનું કહેવું છે કે હજુ સુધી અંતિમ માર્ગદર્શિકા જાહેર નથી થઈ, તેથી આ કાનૂની પડકારો વહેલાસરના છે.

