આ ઘટના પાયલટની સમજણ અને એરલાઈન્સની સાવચેતીના કારણે કોઈ દુર્ધટનામાં પરિવર્તિત થઈ નહીં
Mumbai, તા.૧૩
ગુજરાતના કંડલાથી મુંબઈ આવી રહેલી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં એક મોટી દુર્ઘટના બની હતી. શુક્રવારે કંડલા એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન બોમ્બાર્ડિયર ક્યુ૪૦૦ પ્લેનનું એક ટાયર રનવે પર પડી ગયું હતું, તેમ છતાં પાયલટે સમજણ વાપરીને ઉડાણ ચાલુ રાખી હતી અને મુંબઇ એરપોર્ટ પર વિમાનનું સલામત ઉતરાણ કરાવ્યું હતું. મુંબઈ એરપોર્ટ પર વિમાનના લેન્ડિંગ પહેલા ઈમરજન્સી જાહેર કરાઈ હતી. વિમાન સુરક્ષિત ટર્મિનલ પર પહોંચ્યું હતું. તમામ ૭૫ યાત્રીઓને સુરક્ષિત હતા. એરલાઈન્સે આ ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ટેકનિકલ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.એરલાઈન્સે આ ઘટના ૧૨મી સપ્ટેમ્બરે બની હોવાનું જણાવ્યું હતું. કંડલા-મુંબઈ ફ્લાઈટનું ટાયર ટેકઓફ દરમિયાન નીકળી ગયું અને રનવે પર પડી ગયું, જે તરત જ એરપોર્ટ સ્ટાફે જોયું અને તેની માહિતી એર ટ્રાફિક કંટ્રોલને આપી હતી. ત્યાર પછી પાયલટને એલર્ટ કરાયો હતો. તમામ યાત્રી સુરક્ષિત છે અને હવે વિમાનની ટેકનિકલ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના પાયલટની સમજણ અને એરલાઈન્સની સાવચેતીના કારણે કોઈ દુર્ધટનામાં પરિવર્તિત થઈ નહીં.