પીટિશનમાં રજૂઆત કરાઈ હતી કે, બોગસ રાજકીય પક્ષો લોકશાહી માટે ગંભીર જોખમ હોવાની સાથે સમાજ માટે પણ જોખમી છે
New Delhi, તા.૧૩
નિયમિત અને આગોતરા જામીન અરજીના નિકાલમાં લાંબો વિલંબ એ ન્યાયને નકારવા જેવો છે તેમ ઠરાવતાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે આવી અરજીઓનો નિકાલ કેસ ફાઇલ થયાના બે મહિનામાં જ કરી દેવાનો તમામ હાઇકોટ્ર્સને આદેશ આપ્યો છે. આ મામલે અનેક દિશાનિર્દેશો જારી કરતાં જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે જણાવ્યું હતું કે અરજદારો ‘અનિશ્ચિતતા’ હેઠળ હોય ત્યારે તેમની વ્યક્તિગત સ્વતંત્રતાને લગતી અરજીઓ વર્ષો સુધી પેન્ડિંગ ન રાખી શકાય. સુપ્રીમે ઉમેર્યું હતું કે નિયમિત અને આગોતરા જામીન અરજીઓ પરનો નિર્ણય યોગ્યતાના આધારે ઝડપથી થવો જોઈએ. તેનાથી પક્ષકારો અનિશ્ચિત સમય માટે પેન્ડિંગ સ્થિતિમાં ધકેલી દેવાય તેવું ન થવું જોઇએ. આવી અરજીઓના લાંબા વિલંબને કારણે ક્રિમિનલ પ્રોસીજર કોડના હેતુને અસર થાય છે, એટલું જ નહિ પરંતુ તે ન્યાયને પણ નકારે છે. જે આર્ટિકલ્સ ૧૪ અને ૨૧માં પ્રતિબિંબિત બંધારણીય નૈતિકતાની વિપરીત છે તેમ બેન્ચે ઉમેર્યું છે. ‘હાઇકોર્ટોએ સુનિશ્ચિત કરવી જોઇએ કે નિયમિત અને આગોતરા જામીન માટેની અરજીઓ તેમના અધિકારક્ષેત્ર હેઠળ કે સાથી કોર્ટોમાં હોય તો તેનો નિકાલ ઝડપથી લાવવો જોઇએ.આવા કેસોનો નિકાલ બે મહિનામાં થવો જોઇએ. જોકે જેમાં વિલંબ પક્ષકારોને કારણે થાય છે તે અપવાદરૂપ રહેશે’ તેમ સુપ્રીમની બેન્ચે ઠરાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે વ્યક્તિગત સ્વતંત્રતાને આવરી લેતા કેસોને પ્રાથમિકતા આપવા તેમજ બિનજરૂરી મોકૂફીથી બચવાની સૂચના ડિસ્ટ્રિક્ટ કોર્ટોને આપવા પણ હાઇકોટ્ર્સને કહ્યું છે. તપાસ એજન્સીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ લાંબા સમયથી પડતર કેસોમાં તપાસ ઝડપથી પૂર્ણ કરે જેથી ફરિયાદી કે આરોપી બંનેને અયોગ્ય વિલંબના કારણે પૂર્વગ્રહનો સામનો કરવો ન પડે તેમ બેન્ચે ઉમેર્યું હતું.રાજકીય પક્ષોના રજિસ્ટ્રેશન અને સંવેદનશીલ મુદ્દાઓને પ્રોત્સાહન આપવાના વલણ સંદર્ભે નિયમોનું માળખું બનાવવાની દાદ માગતી પીટિશન સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. આ અરજીમાં ચૂંટણી પંચને નિયમોનું માળખું બનાવવા માટે નિર્દેશ આપવા રજૂઆત થઈ હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ પીટિશનને તપાસવાની મંજૂરી આપી છે. પીટિશનર ઈન પર્સન તરીકે અશ્વિની કુમાર ઉપાધ્યાયે કરેલી અરજી સંદર્ભે જસ્ટિસ સૂર્યા કાંત અને જોયમાલ્યા બાગચીની બેન્ચે આ મામલે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ અને લો કમિશન ઓફ ઈન્ડિયાને નોટિસ આપી છે. જસ્ટિસ કાંતે નોંધ્યુ હતું કે, કોઈ રાજકીય પક્ષને પીટિશનમાં પક્ષકાર બનાવાયા નથી. રાજકીય પક્ષોના નિયમનની રજૂઆત છે ત્યારે તમામ નોંધાયેલા રાષ્ટ્રીય પક્ષોને પક્ષકાર બનાવવા જોઈએ. પીટિશનમાં રજૂઆત કરાઈ હતી કે, બોગસ રાજકીય પક્ષો લોકશાહી માટે ગંભીર જોખમ હોવાની સાથે સમાજ માટે પણ જોખમી છે. રાજકીય પક્ષો માટે કોઈ નિયમો અને નિયંત્રણો નથી.