કરિશ્મા શૂટિંગ માટે ચર્ચગેટ જઈ રહી હતી. તેણે પોતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મારફત આ ઘટના વિશે જણાવ્યું હતું
Mumbai, તા.૧૩
‘પ્યાર કા પંચનામા ૨’ ‘રાગિની એમએસએસ રિટર્ન્સ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કરિશ્મા શર્મા મુંબઈમાં એક ગંભીર અકસ્માતનો ભોગ બની હતી. બુધવારે તેણે ચાલતી લોકલ ટ્રેનમાંથી છલાંગ લગાવી હતી. જેના કારણે તેને માથા અને પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. હાલ તે હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે, ડોક્ટર તેની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.કરિશ્મા શૂટિંગ માટે ચર્ચગેટ જઈ રહી હતી. તેણે પોતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મારફત આ ઘટના વિશે જણાવ્યું હતું. તેણે પોસ્ટ કરી હતી કે, હું સાડી પહેરીને ટ્રેન પકડી રહી હતી, પરંતુ ટ્રેનમાં ચડતાની સાથે જ ટ્રેનની ગતિ વધી ગઈ. મારા મિત્રો ટ્રેન ચૂકી ગયા હોવાથી હું ડરી ગઈ અને ચાલતી ટ્રેનમાંથી કૂદી ગઈ.ટ્રેનમાંથી કૂદકો મારતાં કરિશ્મા પીઠના બળ પર પડી હતી. જેના કારણે માથાના પાછળના ભાગમાં ગંભીર ઈજા થઈ છે. પીઠ પર પણ ઈજા થઈ છે, માથા પર સોજો આવ્યો છે અને આખા શરીર પર નાની-મોટી ઈજા થઈ છે. માથામાં થયેલી ઈજા કેટલી ગંભીર છે તે જાણવા માટે ડોક્ટરોએ MRI કરાવવાની સલાહ આપી છે. હાલમાં એક દિવસ માટે ડોક્ટરના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે.કરિશ્માએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, ‘મને ગઈકાલથી ખૂબ દુખાવો થઈ રહ્યો છે, પરંતુ હું મજબૂત છું.’ બાદમાં કરિશ્માએ ચાહકોને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવાની પણ અપીલ કરી હતી.કરિશ્માના એક મિત્રએ હોસ્પિટલમાંથી તેની એક તસવીર પણ શેર કરી હતી. તેમાં કેપ્શન લખી હતી કે, ‘માનવામાં નથી આવતું કે આ થયું. મારી મિત્ર ટ્રેનમાંથી પડી ગઈ અને તેને કંઈ યાદ નથી. અમે તેને જમીન પર પડેલી જોઈ અને તુરંત જ હોસ્પિટલ લઈ આવ્યા. કૃપા કરીને તેના માટે પ્રાર્થના કરો.’