Dubai,તા.15
દુબઈમાં એશિયા કપ 2025 મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. ભારતમાં આ મેચનો બહિષ્કાર કરવાની અપીલ કરવામાં આવી હતી. ટોસ દરમિયાન અને મેચ પછી ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાને અવગણ્યા અને રમત પરંપરા મુજબ એકબીજા સાથે હાથ મિલાવ્યા નહીં. જોકે, મેચમાં નો હેન્ડશેક મોમેન્ટ સૌથી વધુ ચર્ચામાં રહ્યો.અહેવાલો અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પુષ્ટિ કરી છે કે, પાકિસ્તાન ટીમના મેનેજર નવીદ અખ્તર ચીમાએ ભારતીય ટીમના અયોગ્ય વર્તન સામે વિરોધ નોંધાવ્યો છે. પીસીબીએ કહ્યું કે, ‘મેનેજર ચીમાએ મેચ રેફરીના વર્તન સામે સત્તાવાર વિરોધ પણ નોંધાવ્યો છે, કારણ કે તેમણે બંને કેપ્ટનોને ટોસ દરમિયાન હાથ ન મિલાવવા વિનંતી કરી હતી.’
મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનું કારણ પણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘અમારી સરકાર અને BCCI સંપૂર્ણપણે એકમત હતા. અમે નક્કી કર્યું કે અમે ફક્ત રમત રમવા માટે આવ્યા છીએ અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે.’ બીજી તરફ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા મેચ પછીના સમારોહમાં હાજર નહોતા.
પાકિસ્તાનના વ્હાઇટ-બોલ હેડ કોચ માઇક હેસને કહ્યું કે, ‘પાકિસ્તાની કેપ્ટન સમારોહમાં હાજર ન રહ્યા કારણ કે મેચના અંતે ભારતીય ટીમનું વર્તન નિરાશાજનક હતું. અમે મેચના અંતે હાથ મિલાવવા અને મૈત્રીપૂર્ણ વાતચીત કરવા માટે સ્પષ્ટપણે ઉત્સાહિત હતા, પરંતુ એવું થયું નહીં.’
મેચ પછી યોજાયેલા ઈનામ વિતરણ સમારોહમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ‘આ જીત દેશ માટે મહાન ભેટ છે. અમે પહેલગામ આતંકી હુમલાના પીડિતોના પરિવારો સાથે ઊભા છીએ, અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ અને આજની જીત સેનાને સમર્પિત કરવા માંગીએ છીએ.