T20 એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાને પહેલા બેટિંગ કરીને કુલ 127 રન બનાવ્યા હતા. પાકિસ્તાની બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા અને ભારતીય સ્પિનરોને યોગ્ય રીતે રમી શક્યા ન હતા. જસપ્રીત બુમરાહએ મેચમાં 2 વિકેટ લીધી છે.
જસપ્રીત બુમરાહે પાકિસ્તાન સામેની પોતાની પહેલી જ ઓવરમાં વિકેટકીપર મોહમ્મદ હારિસની વિકેટ લીધી હતી. આ પછી તેને ફખર ઝમાન જેવા બેટ્સમેનોને પણ મુશ્કેલીમાં મુક્યા હતા. મેચની પોતાની છેલ્લી ઓવરમાં તેને સુફિયાન મુકીમને આઉટ કર્યો. આ રીતે તેને ચાર ઓવરના ક્વોટામાં કુલ 28 રન આપીને 2 વિકેટ લીધી.
આ સાથે જસપ્રીત બુમરાહે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં ભુવનેશ્વર કુમારને પાછળ છોડી દીધો છે. જસપ્રીત બુમરાહે હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 92 વિકેટ લીધી છે. ભુવનેશ્વર કુમારે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 90 વિકેટ લીધી છે.
ભારતીય ટીમ માટે T20I ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો
બોલર | વિકેટ |
અર્શદીપ સિંહ | 99 |
યુઝવેન્દ્ર ચહલ | 96 |
હાર્દિક પંડ્યા | 95 |
જસપ્રીત બુમરાહ | 92 |
ભુવનેશ્વર કુમાર | 90 |
જસપ્રીત બુમરાહે વર્ષ 2016 માં ભારતીય ટીમ માટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે ટીમ માટે એક મહત્વપૂર્ણ કડી રહ્યો છે. તેને પોતાના દમ પર ભારતીય ટીમ માટે ઘણી મેચો જીતી છે અને તેનો યોર્કર બોલ અજોડ છે. અત્યાર સુધી તેને ભારતીય ટીમ માટે 90 T20I મેચોમાં કુલ 92 વિકેટ લીધી છે.
પાકિસ્તાની ટીમ તરફથી સાહિબજાદા ફરહાને પહેલા બેટિંગ કરતા 40 રન બનાવ્યા. ત્યારબાદ ફખર ઝમાને 17 રન બનાવ્યા. અંતે શાહીન શાહ આફ્રિદીએ 16 બોલમાં 33 રન બનાવ્યા, જેમાં ચાર છગ્ગા ફટકાર્યા. આ ખેલાડીઓને કારણે જ ટીમ 127 રન બનાવી શકી. કુલદીપ યાદવ ભારત માટે સૌથી મોટો હીરો સાબિત થયો. તેને 3 વિકેટ લીધી. જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. ભારતીય સ્પિનરોએ ઉત્તમ બોલિંગનું પ્રદર્શન કર્યું.