Savarkundla,તા.15
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે સમસ્ત કોળી યુવા સંગઠન દ્વારા એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ગામના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે સંગઠનની ગામડે ગામડે સક્રિયતા અને મિટિંગોના દોરની શરૂઆતનું પ્રતીક છે.
મિટિંગનો મુખ્ય ઉદ્દેશ કોળી સમાજને નવી દિશા આપવાનો, સમાજની તમામ સંગઠનોને એક મંચ પર લાવવાનો અને સમાજને રાજકીય, આર્થિક, સામાજિક તથા શૈક્ષણિક રીતે સશક્ત બનાવવાનો હતો. સંગઠનને મજબૂત કરવા ગામડે ગામડે ગ્રામ્ય સમિતિઓની રચના કરવાની યોજના ઘડવામાં આવી. લાયકાતના આધારે વિભાગીય કામગીરી સોંપવા અને આયોજનબદ્ધ રીતે સંગઠનને આગળ લાવવા માટે ગંભીર ચર્ચા થઈ.વધુમાં, સંગઠનમાં ઠરાવ સિસ્ટમ દ્વારા નિર્ણયો લેવાની અને ચોક્કસ સમયગાળામાં કામગીરી પૂર્ણ કરવાની પ્રક્રિયા અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી. આ પગલાંથી સંગઠનની કાર્યક્ષમતા અને પારદર્શકતા વધશે, તેમજ સમાજના ઉદ્દેશોને ઝડપથી હાંસલ કરવામાં મદદ મળશે.મિટિંગમાં સમાજને મળતા અધિકારોની જાણકારી આપવામાં આવી અને યુવાનોને એકજૂટ થઈને સમાજના વિકાસ માટે કામ કરવાનો સંકલ્પ લેવડાવ્યો. આગામી સમયમાં આવા આયોજનો દ્વારા સમાજને વધુ મજબૂત અને સંગઠિત બનાવવાની હાકલ કરવામાં આવી.