શ્રી માતેશ્વરી સુપર માર્કેટમાં ધસી જઈ બેલડીએ લોખંડના સળીયાથી કાઉન્ટરનો કાચ ફોડી પથ્થરમારો કર્યો
Rajkot,તા.15
શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલ શ્રી માતેશ્વરી સુપર માર્કેટમાં અજાણ્યાં શખ્સે લોખંડના સળીયાથી દુકાનના કાઉન્ટરનો કાચ ફોડી નાંખી પથ્થરમારો કર્યો હતો. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. અંગે ભગવતીપરામાં સુખસાગર શેરી નં.૬, અંબીકા પાર્ક સોસાયટીમાં શ્રી માતેશ્વરી સુપર માર્કેટ નામની દુકાનમાં રહેતાં મુળ રાજસ્થાનના વતની મહાવીરસિંહ તગતસિંહ રાઠોડ (ઉ.વ.૨૪) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બે અજાણ્યાં શખ્સોના નામ આપતાં બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગઇ તા. ૧૨ ના રાત્રીના આશરે અગીયારેક વાગ્યાની આસપાસ તે અને ભાણીયો ગોવિંદકુમાર મીણા બંને દુકાન ખાતે હાજર હતા ત્યારે એક અજાણ્યો શખ્સ ઇલેક્ટ્રીક એક્ટીવા લઇને આવેલ જેમને માથાના ભાગે ટોપી પહેરેલ હતી. તે દુકાને આવીને કહેવા લાગેલ કે, બે દીવસ પહેલા હું તારી દુકાનેથી દુધની થેલી લઈ ગયેલ હતો, જે દુધ પીવાના લીધે મારો ભાણેજ માંદો પડેલ છે, તેમ કહેતા તેને કહેલ કે, તમારો ભાણેજ કયા માંદો પડયો અને કયા દવાખાને સારવારમાં છે મને જણાવો હું તમારી મદદ કરવા તૈયાર છું.દરમિયાન તે એકદમ ઉશ્કેરાઈને તેની સાથે લાવેલ લોખંડના સળીયાથી દુકાનના કાઉન્ટર ૫ર ત્રણ-ચાર ઘા કરીને કાચનું કાઉન્ટર તોડી નાખેલ હતું.
ઉપરાંત તેના એકટીવા પાસે જઈને તેની સાથે એક
પથ્થરો ભરેલ ડોલ લઇને આવેલ હતો જેમાથી છૂટા પથ્થરના દુકાનમાં ઘા કરી મારી દુકાનના કાચ તથા માલસામાનને નુકશાન પહોંચાડેલ અને ધમકી આપવા લાગેલ કે, ત્રણ દિવસમાં તારી દુકાન બંધ કરાવી દઇશ તેમ કહી તે તરત તેનું એકટીવા લઇને ભાગી ગયેલ હતો. જે બાદ યુવાને ૧૧૨ નંબર પર કોલ કરી પોલીસની ગાડી બોલાવેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ આદરી હતી.