Mumbai,તા.16
રજત પાટીદારે આ વર્ષે પહેલીવાર RCBને IPL ચેમ્પિયન બનાવ્યું. આ રીતે રજત પાટીદારની કેપ્ટનશીપમાં RCBનો 18 વર્ષનો ટાઈટલ દુકાળ સમાપ્ત થયો. રજત પાટીદારે તેની કેપ્ટનશીપમાં વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. રજત પાટીદારે કેપ્ટન તરીકે વધુ એક મોટું ટાઈટલ જીત્યું છે.સેન્ટ્રલ ઝોને 2025માં દુલીપ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. રજત પાટીદારની કેપ્ટનશીપમાં સેન્ટ્રલ ઝોને આ ખિતાબ જીત્યો હતો. સેન્ટ્રલ ઝોને ફાઈનલમાં સાઉથ ઝોનને 6 વિકેટથી હરાવીને 7મી વખત દુલીપ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ પહેલા ટીમ 1971-72, 1996-97, 2004-05 અને 2014-15 માં ચેમ્પિયન બની હતી. 1997-98 માં સેન્ટ્રલ ઝોને વેસ્ટ ઝોન સાથે દુલીપ ટ્રોફીનો ખિતાબ શેર કર્યો હતો.
કેપ્ટન રજત પાટીદાર અને યશ રાઠોડે સેન્ટ્રલ ઝોનને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સાઉથ ઝોનના 149 રનના જવાબમાં સેન્ટ્રસ ઝોને પહેલી ઈનિંગમાં 500 થી વધુ રન બનાવ્યા. રજત પાટીદારે પહેલી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી. તેને 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 101 રન બનાવ્યા. આ સિવાય યશ રાઠોડે 194 રનની શાનદાર ઈનિંગ રમી. તેને પોતાની ઈનિંગમાં 17 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. સારાંશ જૈન અને દાનિશ માલેવરે અડધી સદી ફટકારી. આ રીતે સેન્ટ્રલ ઝોન પહેલી ઈનિંગમાં સ્કોરબોર્ડ પર 511 રન મૂકવામાં સફળ રહ્યું.