New Delhi તા.17
દેશના લોકલાડીલા તથા વિશ્વસ્તરે ભારતની આગવી ઓળખ ઉભી કરનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે આજે દેશભરમાં જબરજસ્ત ઉજવણી કરવામાં આવી રહી છે. સાથોસાથ નથી યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી આજના જન્મદિવસે મધ્પ્રદેશમાં છે અને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે.
અભિનવ સંકલ્પ તથા પ્રયોગોથી લોકોની વિચારધારા બદલવાની સાથોસાથ સામાન્ય લોકોના જીવનને પણ નવી રફતાર આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 75 મા જન્મદિને મધ્યપ્રદેશનાં પ્રવાસે છે.2022 માં 72 માં જન્મદિન બાદ બીજી વખત જન્મદિને મધ્યપ્રદેશમાં છે. આજે ધાર જીલ્લામાં આયોજીત કાર્યક્રમમાં અનેક ભેટ આપશે. જેમાં પીએમ મિત્ર ટેકસટાઈલ્સ પાર્ક, સ્વસ્થ નારી, સશકત એવં પોષણ અભિયાન જેવી યોજના સામેલ છે.
વડાપ્રધાન મોદી મહિલાઓ-કિશોરીઓ તથા બાળકોનાં આરોગ્ય-પોષણને સુદ્રઢ કરવાના અભિયાનનું ઉદઘાટન કરશે.આ અભિયાન હેઠળ મહિલાઓની વ્યાપક આરોગ્ય તપાસ, અનીમીયા નિયંત્રણ, સંતુલીત આહાર, માસીક ધર્મ સ્વચ્છતા જેવી બાબતોને આવરી લેવામાં આવશે.
વડાપ્રધાનના હસ્તે દેશનાં પ્રથમ પીએમ મિત્ર ટેકસટાઈલ્સ પાર્કનો શિલાન્યાસ કરવામાં આવશે. 2158 એકર જમીનમાં વિકસીત થનારા આ પાર્કમાં અત્યાધુનિક સુવિધાઓ હશે. અત્યાર સુધીમાં આ પાર્ક માટે 23146 કરોડની રોકાણ દરખાસ્તો આવી ચૂકી છે. અને તેમાં 3 લાખ લોકોને રોજગારીની તક ઉપલબ્ધ થવાનો અંદાજ છે.
આ ઉપરાંત વડાપ્રધાન મોદી આદી સેવા પર્વનો પણ પ્રારંભ કરાવશે જે જનજાતિય ગૌરવ તથા રાષ્ટ્રનિર્માણનું પ્રતિક બનશે જેમાં આરોગ્ય,શિક્ષણ, પોષણ, કૌશલ વિકાસ, આજીવીકા, સ્વચ્છતા, જળસંચય, પર્યાવરણ સંરક્ષણ જેવી કાર્યવાહી થશે.
આ સિવાય પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, સુમન, ચેટબોટ, વગેરેનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન મોદીનાં જન્મદિન નિમિતે ગુજરાત સહીત દેશના તમામ રાજયોમાં સેવાકાર્યોથી ઉજવણી કરવામાં આવી રહી ચે. બે ઓકટોબર સુધી સેવા પખવાડીયા તરીકે ઉજવણી થનાર છે.