Surendaranagar,તા.17
મૂળીમા આંબેડકરનગર વિસ્તારમાં રહેતી પરિણીતા થાન તાલુકાના સરોડી ગામે તેના પિતાના ઘરે રીસામણે હતી. ત્યારે વર્ષ 2021માં મૂળીમાં રહેતો પતિ સાસરે ગયો હતો અને બન્ને હાથમાં છરી રાખી સસરા, સાસુ, પત્ની, સાળી અને સાળા પર હુમલો કર્યો હતો. આ બનાવમાં સસરા અને સાળીનું મોત થયુ હતુ. જયારે અન્ય ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી. ડબલ મર્ડરનો આ કેસ મંગળવારે સુરેન્દ્રનગર એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો.જેમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી ન્યાય કર્યો છે.
થાન તાલુકાના સરોડી ગામે રહેતા દામજીભાઈ હરીભાઈ ચાવડાની પુત્રી મીનાબેનના લગ્ન વર્ષ 2018માં મૂળીના આંબેડકરનગરમાં રહેતા હિતેશ ભરતભાઈ કોરડીયા સાથે થયા હતા. વર્ષ 2022માં તેઓ સગર્ભા હતા. ત્યારે ભીમ અગીયારસના તહેવાર નિમિત્તે તેમના માતા-પિતા રીત રીવાજ મુજબ કેરીઓ લઈને મૂળી આવ્યા હતા. જે હિતેશને ન ગમતા મીનાબેન અને તેમના માતા-પિતા સાથે બોલાચાલી કરી હતી.
સગર્ભા અવસ્થામાં મીનાબેનને કાઢી મુકતા તેઓ માતા-પિતા સાથે સરોડી રીસામણે આવ્યા હતા. અને પીયરમાં જ તેઓને પુત્રનો જન્મ થયો હતો. પુત્ર જન્મના 20 દિવસ બાદ હિતેશ પુત્રનું મોઢુ જોવા આવ્યો હતો. આ સમયે પણ હિતેશે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. આ અંગે હિતેશે થાન પોલીસ મથકે અરજી પણ કરી હતી. આમ, મીનાબેનના રીસામણા બાબતે પતિ-પત્ની વચ્ચે મનદુઃખ ચાલ્યુ આવતુ હતુ.
તા. 5-1-2021ના રોજ હિતેશ એકટીવા લઈને મીનાબેનના ઘરે આવ્યો હતો. તેના બન્ને હાથમાં છરીઓ જોઈને મીનાબેનના માતા ઉષાબેને પુછયુ કે, કેમ છરીઓ લઈને આવ્યા છો ? જેમાં હિતેશે આજે એકેયને છોડવાના નથી, પતાવી દેવાના છે તેમ કહી ઉષાબેન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. બાદમાં મીનાબેન ઉપર છરીના ઘા કર્યા હતા.
આથી મીનાબેને રાડારાડ કરતા તેમની બહેન સોનલબેન અને પિતા દામજીભાઈ, ભાઈ લલીત દોડી આવ્યા હતા. જેમાં હીતેશે આડેધડ છરી વીંઝી ત્રણેય પર હુમલો કર્યો હતો. જેમાં દેકારો થતા આસપાસમાંથી મીનાબેનના કુંટુંબીજનો દોડી આવ્યા હતા. આથી હિતેશ એક રૂમમાં પુરાઈ ગયો હતો. જયારે 108 દ્વારા મીનાબેન સહિત પાંચેયને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાતા વધુ ઈજા થવાથી તેમના પિતા દામજીભાઈ અને બહેન સોનલબેનનું મોત નીપજયુ હતુ.
બનાવની મીનાબેને થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ અંગેનો કેસ મંગળવારે સુરેન્દ્રનગર એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સ્પેશ્યલ સરકારી વકીલ કે.બી.નાસીતની દલીલો, મૌખીક અને દસ્તાવેજી પુરાવાના આધારે એડીશનલ સેશન્સ જજ એન.જી.શાહે સસરા અને સાળી એમ ડબલ મર્ડરના આરોપસર આરોપી હિતેશ ભરતભાઈ કોરડીયાને કસુરવાર ઠેરવ્યો હતો. કોર્ટે આરોપી હિતેશ કોરડીયાને આજીવન કેદની સજા અને રૂ।.10 હજારનો દંડ ફટકાર્યો છે. જો તે દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજાનો હુકમ કર્યો છે.