Mumbai
ભારતની સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી વનડે સિરીઝમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલી મેચમાં જ હાફ સેન્ચૂરી ફટકારી હતી. T20 હોય કે પછી વનડે અથવા ટેસ્ટ મેચ ત્રણે ફોર્મેટમાં સ્મૃતિ મંધાનાએ અદ્ભૂત પ્રદર્શન કર્યું છે. ICC વિમેન્સ રેન્કિંગમાં સ્મૃતિએ કમાલ કરી હતી. તેણે ઈંગ્લેન્ડના ખેલાડીને પછાડીને નંબર 1નું ટાઇટલ હાંસલ કર્યું હતું.
ICC મહિલા વન-ડે રેન્કિંગમાં અત્યાર સુધી નેટ સાયવર-બ્રન્ટ પહેલા સ્થાને હતી. પરંતુ હવે મંધાનાએ નેટ સાયવર-બ્રન્ટને પાછળ છોડી પહેલા સ્થાને પહોંચી છે. ત્યારે હવે નેટ સાયવર-બ્રન્ટ પણ પહેલા સ્થાનથી બીજા સ્થાને પહોંચી ગઈ છે. બ્રન્ટ 731 પોઈન્ટની સાથે બીજા સ્થાન પર પહોંચી છે. ICC વન-ડે રેન્કિંગમાં સાઉથ આફ્રિકાની બેટર લૌરા વોલ્વાર્ડટ 725 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી છે. ચોથા સ્થાને 689 પોઈન્ટ હાંસલ કરી એલિસ પેરી છે. ત્યારે પાંચમાં સ્થાન પર બેથ મૂની છે. તેની પાસે 685 પોઈન્ટ છે. મૂની આઠમાં સ્થાનથી પાંચમાં સ્થાન પર પહોંચી ગઈ છે. T20 ફોર્મેટની વાત કરીએ તો ઑસ્ટ્રેલિયાની બેથ મૂની 794 પોઈન્ટ હાંસલ કરી પહેલા સ્થાને પહોંચી છે. T20 રેન્કિંગમાં કેટલાક ફેરફાર થયા નથી. ત્યારે મંધાના T20 રેન્કિંગમાં 767 પોઈન્ટની સાથે ત્રીજા નંબર પર યથાવત છે.
સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી વનડે મેચમાં 63 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી. તે સિવાય તેણે 6 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. રન આઉટ થવાના કારણે તે તેની સેન્ચૂરી પૂરી કરી ન શકી. સ્મૃતિ આઉટ થઇ ત્યાર બાદ ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો. ભારતે પહેલી બેટિંગ કરતાં 281 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટના નુકસાને 282 રન બનાવી મેચ જીતી લીધી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ખેલાડી ફીબી લિચફીલ્ડે કમાલની ઇનિંગ રમી હતી. તેણે 111 બોલમાં 88 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે આ મેચમાં 14 ફોર ફટકાર્યા હતા.