Bengaluru,તા.17
ભારતના બેન્કીંગ ઈતિહાસમાં દિલધડક ગણી શકાય તેવી ચોરી- ધોળે દિવસે થયેલી લુંટમાં કર્ણાટકમાં ત્રણ લુટારૂઓ એ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાની એક શાખામાંથી રૂા.20 કરોડના સોના તથા રૂા.1 કરોડની રોકડ લુટી નાસી છુટયા હતા. કર્ણાટકના વિજયપુરા જીલ્લામાં આડચનની સ્ટેટ બેન્કની શાખામાં ગઈકાલે આ લુંટ થઈ હતી.
ત્રણ લુંટારુઓ પિસ્તોલ-ચાકુ સાથે બેન્કમાં ઘુસ્યા હતા. સાંજે 6.30 વાગ્યે બેન્કનું કામકાજ બંધ કરવાની તૈયારી હતી તે સમયે જ બુકાનીધારી લુંટારુઓ એ બેન્ક મેનેજર અને તમામ કર્મચારીઓને બંધક બનાવીને રૂા.1 કરોડ રોકડા અને રૂા.20 કરોડના સોનાની લુંટ ચલાવી હતી તથા આરામથી નાસી છુટયા હતા.
એક ગ્રાહક પણ બેન્કમાં મોજૂદ હતા તેને પણ કર્મચારીઓ હાથ પગ બાંધી બધાને ટોઈલેટમાં પુરી દીધા હતા. મેનેજર પાસે સોનાનુ લોકર ખોલવાની ફરજ પાડી. ગ્રાહકોના દાગીના ભરેલી બેગ જ ઉઠાવી ગયા હતા.
પોલીસને બાદમાં જાણ થઈ હતી પણ લુંટારુઓ ખોટા નંબરની વાનમાં આવ્યા હતા અને નાસી છુટયા હતા. તેઓ નજીક રાજયની સરહદ ઓળંગી મહારાષ્ટ્ર ભણી નાસી છુટયા હોવાનું પોલીસે શોધી કાઢયું હતું.
એક સ્થળે નાનો અકસ્માત થતા ગ્રામ્યજનોએ તેમની સાથે ઝગડો કર્યો પણ બાદમાં તેઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતા. હવે કર્ણાટક-મહારાષ્ટ્ર બન્ને રાજયમાં તલાશ શરુ થઈ છે.