લોકસાહિત્યકાર દેવાયત ખવડના ૧૧ સપ્ટેમ્બરના રોજ જામીન રદ થયા બાદ દેવાયત ખવડે સરેન્ડર કર્યું હતું
Junagadh,તા.૧૭
લોક સાહિત્યકાર દેવાયત ખવડને હવે પોલીસ રિમાન્ડ પછી જેલહવાલે કરાયા છે. તાલુકા પોલીસ દ્વારા લૂંટ અને મારામારીના ગંભીર આરોપોમાં ધરપકડ કરાયેલા દેવાયત ખવડના ૭ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને કોર્ટે ફરી રજૂ કરવામાં આવ્યા હતા.તાલાલા પોલીસ દ્વારા દેવાયત ખવડ અને અન્ય આરોપીઓની વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જોકે કોર્ટે પોલીસની માંગ નામંજૂર કરી હતી. આ તરફ હવે દેવાયત ખવડ અને અન્ય ૬ આરોપીઓ જૂનાગઢની સેન્ટ્રલ જેલમાં મોકલાયા છે.
લોકસાહિત્યકાર દેવાયત ખવડના ૧૧ સપ્ટેમ્બરના રોજ જામીન રદ થયા બાદ દેવાયત ખવડે સરેન્ડર કર્યું હતું. દેવાયત ખવડના સાથી આરોપીએ પણ તેના પહેલા રાત્રે ૯ વાગ્યે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાલાલા પોલીસ સ્ટેશનના અંદરના દ્રશ્યોમાં એવું જોવા મળ્યું કે, કેટલાક પોલીસ કર્મીઓ દેવાયત ખવડને જાણે વર્ષો પછી મળેલા મિત્ર તરીકે ગળે મળતા નજરે પડ્યા. એ દ્રશ્યો એક સામાન્ય આરોપી અને પોલીસના સંબંધોની કલ્પના કરતાં ઘણાં અલગ હતા. દેવાયત ખવડનું પોલીસ સમક્ષ આવું શાંત અને સ્નેહભર્યું રીતે સરેન્ડર કરવું એ એક વિશિષ્ટ પરિસ્થિતિ જણાઈ રહી છે. આમા કોઈ રચના છે કે પાછળ કંઈ ખાસ સંબંધો રહેલા છે, એનો ખુલાસો તો આગળની તપાસમાં જ થશે.
દેવાયત ખવડના જામીન ૧૧ સપ્ટેમ્બરના રોજ રદ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જામીનના વિરોધમાં દાખલ કરવામાં આવેલ અરજીને કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે, દેવાયત ખવડના વકીલ દ્વારા જામીન રદ કરવા માંગ પર કોઈ વિરોધ નોંધાવવામાં આવ્યો નહોતો. પોલીસ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, દેવાયત ખવડ સામે ગંભીર આરોપો છે અને તેઓ જામીન પર રહેવાથી તપાસમાં વિઘ્ન આવી શકે છે. આ દલીલોને કોર્ટએ ગંભીરતાપૂર્વક લઈ દેવાયતના જામીન રદ કરવાનો નિર્ણય આપ્યો હતો.
લોકપ્રિય લોકસાહિત્યકાર દેવાયત ખવડ સાથે સંકળાયેલા વિવાદાસ્પદ કેસમાં વેરાવળની અદાલતે ૧૮ ઓગસ્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલા આ કેસમાં દેવાયત ખવડ સહિત કુલ ૭ આરોપીઓને વેરાવળની નીચલી અદાલતે જામીન મંજૂર કર્યા હતા. જોકે તે સમયે પોલીસ દ્વારા દાખલ કરાયેલા પોલીસ રિમાન્ડની માંગને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ કેસમાં તમામ આરોપીઓને ૧૫,૦૦૦ જમાનત રકમના આધારે જામીન પર મુક્ત કરવાની શરત રાખવામાં આવી હતી. આરોપીઓએ આ રકમ ભરીને કાયદેસર રીતે મુક્તિ મેળવી હતી.
દેવાયત ખવડ વિરુદ્ધ કેસ ત્યારે નોંધાયો હતો, જ્યારે સોશિયલ મીડિયા પર એવી વાત ફેલાઈ કે દેવાયત ખવડ અને તેના સાથીઓએ જાહેર સ્થળે ઝઘડો કર્યો હતો અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બાદમાં ગીર સોમનાથ પોલીસ દ્વારા દેવાયત ખવડ અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસની સુનાવણી વેરાવળની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ. જાનીની અદાલતમાં હાથ ધરાઈ હતી. પોલીસ તરફથી દેવાયત અને અન્ય આરોપીઓના ૭ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. પરંતુ આરોપી પક્ષના વકીલ એ.જે. વિરરાએ પોલીસની માગણી સામે કડક વાંધો નોંધાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આરોપીઓને તેમની ધરપકડના કારણો અંગે જાણ કરવામાં નથી આવી, જે બંધારણના આર્ટિકલ ૨૨નું ઉલ્લંઘન છે. વધુમાં, સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને તેમણે આરોપીઓને જામીન આપવાની માગ કરી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ૧૮ ઓગસ્ટે રાતે ૯ઃ૪૫ વાગ્યે પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં કુલ ૭ આરોપીઓને જામીન પર મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને રિમાન્ડ ફગાવી દેવામાં આવ્યો હતો.