Amreli,તા.18
અમરેલી જિલ્લાના બગસરામાં એસબીઆઈ બેન્કમાં મોડી રાતે આગ લાગી ગઈ હતી. જોકે, મોડી રાત હોવાથી જાનહાની નથી થઈ પરંતુ બેન્કના મુદ્દામાલ અને મિલકતને નુકસાન પહોંચ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પગલાં લઈને આગ પર કાબુ મેળવી લીધો હતો. મળતી માહિતી મુજબ, બગસરા એસબીઆઈ બેન્કમાં આગ બેન્કના અંદરના વિભાગમાંથી શરૂ થઈ અને ઝડપથી ફેલાઈ રહી હતી. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઈમરજન્સી 112 નંબર પરથી આગ લાગવાની જાણ અમરેલી ફાયર વિભાગના કંટ્રોલરૂમને કરવામાં આવી હતી. આગ વધુ વિકરાળ હોવાને કારણે ફાયર વિભાગની બે ગાડી બગસરા પહોંચી હતી. ધુમાડો વધુ હોવાને કારણે પોર્ટેબલ વેન્ટિલેશન ફેનનો ઉપયોગ કરી પાણીનો મારો ચલાવી 2 કલાકની ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાથી કેટલું નુકશાન થયું અને ક્યા કારણે લાગી તે તપાસ બાદ સામે આવશે.