OpenAI હાલમાં AI આધારિત સ્માર્ટ સ્પીકર્સ અને સ્માર્ટ ગ્લાસ પર કામ કરી રહ્યું હોવાની ચર્ચા છે. આ માટે તેમણે એપલના ભૂતપૂર્વ ચીફ ડિઝાઇન ઓફિસર જોની આઇવીને પસંદ કર્યો છે. તેઓ આ પાર્ટનરશિપમાં ઘણી પ્રોડક્ટ લોન્ચ કરશે. એમાં પહેલી પ્રોડક્ટ સ્ક્રીન વગરની, પોકેટમાં આવી જાય એવી હશે. ધ ઇન્ફોર્મેશનના રિપોર્ટ અનુસાર OpenAI દ્વારા આ માટે લક્સશેર સાથે ડીલ પણ કરવામાં આવી છે. તેમ જ તેમણે ગીઓર્ટેક સાથે પાર્ટ્સ માટે ચર્ચા પણ કરી છે. આ પાર્ટ્સ સ્પીકર્સ જેવા છે, એથી તેઓ સ્માર્ટ સ્પીકર્સને પહેલાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યાં હોય એવી ચર્ચા છે.
આ તમામ પ્રોડક્ટના મેન્યુફેક્ચર માટે OpenAI ચીનમાં આવેલી એપલની સપ્લાય ચેનનો ઉપયોગ કરી રહી હોવાની ચર્ચા છે. લક્સશેર દ્વારા આઇફોન અને એરપોડ્સને અસેમ્બલ કરવામાં આવે છે. તેમ જ ગીઓર્ટેક દ્વારા એકપોડ્સ, હોમપોડ્સ અને એપલ વોચને અસેમ્બલ કરવામાં આવે છે. એપલ દ્વારા ગયા મહિને ચીનના તેના સપ્લાયર સાથેની મીટિંગ કેન્સલ કરી નાખવામાં આવી હતી. આ બન્ને કંપનીઓ હવે OpenAI સાથે કામ કરી રહી હોવાથી એપલ તેમની સાથે કામ કરવા નથી માગતું એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
OpenAI અને જોની આઇવીની પાર્ટનરશિપની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી એપલના ઘણાં કર્મચારીઓ હવે OpenAIમાં જઈ રહ્યાં છે. કોન્સ્યુમર હાર્ડવેરમાં કામ કરનાર ઘણાં એપલના કર્મચારીઓ હવે OpenAIમાં કામ કરી રહ્યાં છે. OpenAIના હાલમાં ચીફ હાર્ડવેર ઓફિસર ટેન્ગ ટેન પહેલાં એપલના હેડ ઓફ પ્રોડક્ટ ડિઝાઇન હતાં. તેમનું કહેવું છે કે OpenAI હવે કર્મચારીઓને નોકર તરીકે નહીં, પરંતુ એક કોલાબોરેશન તરીકે કામ કરશે.
સ્માર્ટ સ્પીકર્સની સાથે OpenAI સ્માર્ટ ગ્લાસ પર પણ ધ્યાન આપી રહ્યાં છે. આ સાથે જ ડિજિટલ વોઇસ રેકોર્ડર અને એક વિયરેબલ પિન જેવી અલગ-અલગ પ્રોડક્ટ પર કામ કરી રહ્યાં છે. આ તમામ પ્રોડક્ટને 2026ના અંત સુધીમાં અથવા તો 2027ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે.