New Delhi,તા.22
ભારતીય ફિલ્મ ઇતિહાસમાં પોતાની પ્રતિભા અને અવિરત મહેનત દ્વારા સુવર્ણ ધોરણો સ્થાપિત કરનાર મલયાલમ ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર અભિનેતા મોહનલાલનું ૨૦૨૩ના વર્ષ માટેના દાદાસાહેબ ફાળકે એવોર્ડથી મંગળવારે ૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં સન્માન કરવામાં આવશે. ફાળકે એવોર્ડ વિજેતા ૬૫ વર્ષના મોહનલાલને અભિનંદન આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર જણાવ્યું હતું કે તેઓ મલયાલમ સિનેમા અને નાટયજગતના ઉત્તમ અભિનેતા અને પથદર્શક છે અનેે તેઓ કેરળની સંસ્કૃતિ સાથે ઘેરો લગાવ ધરાવે છે. તેમણે તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મ અને નાટય જગતમાં તેમની તેજસ્વિતા અને સિદ્ધિઓ ભાવિ પેઢીઓ માટે પ્રેરણાદાયક છે.
મોહનલાલે ચાર દાયકામાં ફેલાયેલી તેમની વિશાળ કારકિર્દીમાં ૪૦૦ કરતાં વધારે ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. તેમનું ૨૦૦૧માં પદ્મ શ્રી અને ૨૦૧૯માં પદ્મ ભૂષણ એવોર્ડ આપી સન્માન કરવામાં આવેલું છે. ગયા વર્ષે મિથુન ચક્રવર્તિને ૨૦૨૨નો ફાળકે એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
મોહનલાલે ૧૯૭૮માં મલયાલમ ફિલ્મ થિરોત્થાનમમાં ભૂમિકા ભજવી અભિનય ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું.
વિખ્યાત નિર્દેશક પ્રિયદર્શનની પણ આ પ્રથમ ફિલ્મ હતી. મોહનલાલે તેમની કારકિર્દીમાં પાંચ નેશનલ એવોર્ડ જીત્યા છે. તેઓ નવ વાર કેરળ સ્ટેટ ફિલ્મ એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. હાલ તેમની હ્ય્દયપૂર્વમ ફિલ્મ કેરળના થિયેટર્સમાં ધૂમ મચાવી રહી છે. ૨૦૦૨માં આવેલી હિન્દી ફિલ્મ કંપનીમાં તેમણે પોલીસ કમિશનરની યાદગાર ભૂમિકા ભજવી હતી. તમિલમાં તેમની ઇરૂવર ફિલ્મ યાદગાર બની રહી છે. હાલમાં જબરદસ્ત સફળતાને વરેલી દ્શ્યમ ફિલ્મ શ્રેણીમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. હાલ તેનો ત્રીજો ભાગ બની રહ્યો છે. તેમની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ એલ૨ઃ એમ્પુરાણને બોક્સ ઓફિસ પર ૨૬૦ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.