Amreli,તા.23
સાવરકુંડલા તાલુકામાં આવેલું ધજડી ગામ આજે એક પ્રગતિશીલ અને આદર્શ ગામ તરીકે ઉભરી આવ્યું છે. ગામની ઓળખ ખેતી સાથે ગાઢ રીતે જોડાયેલી છે. અહીંનો મોટાભાગનો પ્રજા વર્ગ ખેતી પર આધારિત છે. જમીન, મહેનત અને પરિશ્રમથી ગામલોકો જીવન નિર્વાહ કરે છે. તેમ છતાં માત્ર ખેતી સુધી સીમિત ન રહી ગામે સર્વાંગી વિકાસના અનેક કાર્ય કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
ગામનાઆગેવાન ભરતભાઈ ધડુંક જણાવે છે કે ધજડી ગામમાં વિકાસની દિશામાં એક પછી એક મહત્વપૂર્ણ કામો હાથ ધરવામાં આવ્યા છે. ગામની કુલ વસ્તી આશરે 3500 વ્યકિતઓની છે, જેમાંથી લગભગ રર00 વ્યકિતઓ ગામમાં જ વસવાટ કરે છે.
ગામની જનતા, આગેવાનો, દાતાઓ અને સ્થાનિક તંત્રના સંકલનથી ગામે જે પ્રગતિ કરી છે તે બીજા ગામો માટે પ્રેરણાસ્ત્રોત બની શકે તેવું છે. ધજડી ગામની વિશેષતા એ છે કે અહીંના લોકો ધાર્મિક કાર્ય અને સામાજિક એકતા માટે ખૂબ જ આગ્રહી છે.
ગામના લગભગ તમામ મંદિરોનું જીણોદ્ધાર કરવામાં આવ્યું છે. મંદિરોના નિર્માણથી લઈને રસ્તા, શાળા અને સ્ટ્રીટલાઈટ જેવા મોટા પ્રોજેકટસ સફળતાપૂર્વક પૂરાં થઈ શક્યા છે. ગામ લોકોમાં વિકાસ માટેની સકારાત્મકદ્રષ્ટિ અને સહકારભાવ જ ગામને આગળ વધારવા માટે પ્રેરણા પૂરૂ પાડે છે.
આજે ધજડી ગામ ગોકુળિયું ગામ તરીકે ઓળખાય છે. ભરતભાઈ ધડુંકના શબ્દોમાં “ગામનો વિકાસ માત્ર ઈંટ-પથ્થરનો નહીં પરંતુ ગામની એકતા, સંસ્કૃતિ અને સંસ્કારનો પ્રતિબિંબ છે.” ખરેખર, ધજડી ગામનું મોડેલ અન્ય ગામોને પ્રેરણા પૂરૂ પાડે એવું છે.