નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ૭૧માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયા છે, શાહરૂખ ખાન, રાની મુખર્જીથી લઈને મોહનલાલ સહિતના અનેક દિગ્ગજો પોતાનો પુરસ્કાર લેવા દિલ્હીં પહોંચ્યા હતા
New Delhi,તા.૨૩
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ભારતીય સિનેમા જગતનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારમાંથી એક ગણાય છે. ભારત સરકારના સૂચના પ્રસારણ મંત્રાલય તરફથી આયોજિત કરાતા આ પુરસ્કાર સમારોહમાં દર વર્ષે ભારતીય ફિલ્મ કલાકારોને તેમના અદ્વિતીય કાર્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આજે (૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫)ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ૭૧માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયા છે. શાહરૂખ ખાન, રાની મુખર્જીથી લઈને મોહનલાલ સહિતના અનેક દિગ્ગજો પોતાનો પુરસ્કાર લેવા દિલ્હીં પહોંચ્યા છે. જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે ભારતીય ફિલ્મ કલાકારોને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. ૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ૨૦૨૩ના નામોની જાહેરાત કરાઈ હતી.
’વશ’ ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ પુરસ્કાર એનાયત કરાયો છે. ગુજરાતના જાણીતા લેખક અને દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક અને કલ્પેશ સોની પુરસ્કાર સ્વીકાર્યો છે.
તેમની ’વશ’ ફિલ્મની સફળતા બાદ ગુજરાતી ફિલ્મ પરથી બોલીવુડમાં ’શૈતાન’ નામથી ફિલ્મ બનાવામાં આવી હતી. વશ ફિલ્મમાં હિતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ ખાસ હતો. જોકે, હાલમાં વશની બીજો પાર્ટ વશ લેવલ ૨ પણ રિલીઝ કરાયો છે.
શાહરૂખ ખાનને તેની બ્લોકબસ્ટર ફિલ્મ ’જવાન’ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયો છે. જેને લઈને તેના ચાહકો અને સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. ફિલ્મ ’જવાન’ એ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી નાખ્યા અને વિશ્વભરમાં અસાધારણ કમાણી કરી. શાહરૂખ ખાને આ ફિલ્મમાં ડબલ રોલ ભજવીને દર્શકોના દિલ જીતી લીધા. તેમના શક્તિશાળી અભિનય, એક્શન અને ભાવનાએ સાબિત કર્યું કે તે ફક્ત રોમાન્સના રાજા જ નથી, પરંતુ એક સુપરસ્ટાર છે જે દરેક ભૂમિકામાં જીવંતતા લાવી શકે છે.
શાહરૂખ ખાન અને રાની મુખર્જી આ કાર્યક્રમમાં સાથે બેઠેલા જોવા મળ્યા હતા. શાહરૂખ ખાન બ્લેક લુકમાં હતા, જ્યારે રાની મુખર્જી બ્રાઉન રંગની સાડીમાં ચમકી હતી. વિક્રાંત મેસી પણ શાહરૂખ ખાન અને રાની સાથે બેઠેલા જોવા મળ્યા હતા. ઓફ-વ્હાઇટ સૂટમાં તેમની ડેશિંગ સ્ટાઇલે પણ ચાહકોના દિલ જીતી લીધા હતા. જણાવી દઈએ કે, શાહરૂખ ખાનને બેસ્ટ અભિનેતા અને રાની મુખર્જીને બેસ્ટ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો છે.
વિજેતાઓની યાદી
બેસ્ટ ફીચર ફિલ્મ – ૧૨મી ફેઈલ
બેસ્ટ હિન્દી ફિલ્મ – કટહલ – એ જેકફ્રૂટ મિસ્ટ્રી
બેસ્ટ અભિનેતા – શાહરૂખ ખાન (જવાન) અને વિક્રાંત મેસી (૧૨ંર ફેલ)
બેસ્ટ અભિનેત્રી – રાની મુખર્જી (મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે)
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર – મોહનલાલ
બેસ્ટ લોકપ્રિય ફિલ્મ – રોકી ઔર રાની કી પ્રેમ કહાની
બેસ્ટ કોરિયોગ્રાફી – રોકી ઔર રાની કી પ્રેમ કહાની (ઢીંઢોરા બાજે રે)
બેસ્ટ દિગ્દર્શન – ધ કેરળ સ્ટોરી (સુદીપ્તો સેન)
બેસ્ટ સિનેમેટોગ્રાફી – ધ કેરળ સ્ટોરી
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર શિલ્પા રાવ (છલિયા, જવાન)
બેસ્ટ મેલ ગાયક – પ્રેમિસ્થુન્ના (બેબી, તેલુગુ)
બેસ્ટ મેકઅપ અને કોસ્ચ્યુમ ડિઝાઇનર – સામ બહાદુર
સ્પેશિયલ મેન્શન – એનિમલ (રી-રેકોર્ડિંગ મિક્સર) – એમ.આર. રાધાકૃષ્ણન
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન – એનિમલ (હિન્દી)
અન્ય ભાષાઓમાં
બેસ્ટ ગુજરાતી ફિલ્મ – વશ
બેસ્ટ તેલુગુ ફિલ્મ – ભગવંત કેસરી
બેસ્ટ તમિલ ફિલ્મ – પાર્કિંગ
બેસ્ટ કન્નડ ફિલ્મ – ધ રે ઓફ હોપ
બેસ્ટ ફિલ્મ વિવેચક – ઉત્પલ દત્તા (આસામ)
બેસ્ટ એક્શન દિગ્દર્શન – હનુ-મેન (તેલુગુ)
બેસ્ટ ગીતો – બાલાગમ (ધ ગ્રુપ) – તેલુગુ