યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ૮૦મા સેશનમાં મેક્રોનના ભાષણ બાદ તુરંત જ આ કિસ્સો બન્યો હતો
New York,તા.૨૩
ન્યૂયોર્કના મધ્યમાં સોમવારે સર્જાયેલો ટ્રાફિક જામ એક અસામાન્ય રાજકીય ક્ષણમાં ફેરવાઈ ગયો હતો. ફ્રેન્ચના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મોટર કાફલાએ રોક્યા હતા.
આ ઘટનાનો વીડિયો ઝડપથી વાઈરલ થયો છે, જેમાં ફ્રેન્ચ નેતા મેનહટનના રસ્તાઓ પર ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળે છે. જેની પાછળનું કારણ પોલીસે અમેરિકન પ્રમુખના કાફલાને રસ્તો આપવા વાહન રોક્યા હોવાનું હતું.
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ૮૦મા સેશનમાં મેક્રોનના ભાષણ બાદ તુરંત જ આ કિસ્સો બન્યો હતો. જ્યાં તેમણે ફ્રાન્સ દ્વારા પેલેસ્ટાઇન રાજ્યને માન્યતા આપવાની ઔપચારિક જાહેરાત કરી હતી. આ ભાષણ બાદ તેઓ યુએન મુખ્યાલયમાંથી બહાર નીકળી ફ્રેન્ચ દૂતાવાસ તરફ જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ટ્રમ્પનો કાફલાની સુરક્ષાને પ્રાધાન્ય આપતાં ન્યૂયોર્ક પોલીસે મેક્રોનની કાર રોકી દીધી હતી.
ફ્રેન્ચ મીડિયા આઉટલેટ દ્વારા આ ટ્રાફિકના ફુટેજને મોટાપાયે શેર કરવામાં આવ્યા હતા. જેમાં ન્યૂયોર્ક પોલીસ મેક્રોન સમક્ષ માફી માગતી જોવા મળી હતી. તેમણે કહ્યું કે, હું દિલગીર છું પ્રમુખ, પણ હાલ બધું જ બ્લોક છે. બાદમાં ફ્રાંસના પ્રમુખ કારમાંથી ઉતરી પોલીસ સાથે વાત કરતાં જોવા મળ્યા હતાં. તેઓ વીડિયોમાં થોડા નારાજ અને ગુસ્સામાં દેખાતા હતાં. ચાહકોએ તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ ટ્રાફિક જામમાં ફસાયેલા મેક્રોને ટ્રમ્પને સીધો ફોન કર્યો હોવાનું મીડિયા સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું. તેમણે ટ્રમ્પને મજાકમાં કહ્યું હતું કે, તમારા કારણે હું ટ્રાફિકમાં ફસાઈ ગયો છું. હું રસ્તો ખુલવાની રાહ જોઈ રહ્યો છું કારણ કે તમારા માટે આખો રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે. મેક્રોને આ વાર્તાલાપ તેમની આસપાસના લોકોને સંભળાવ્યો હતો.