Indonesia,તા.24
દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તોનું સંયુક્ત રાષ્ટ્રમાં આપેલું ભાષણ ચર્ચાનો વિષય બન્યું છે. આનું કારણ એ છે કે તેમણે પોતાના ભાષણનો અંત ઘણા ધર્મોના અભિવાદન સાથે કર્યો, જેમાં હિન્દુ ધર્મમાં ઉપયોગમાં લેતા ‘ઓમ શાંતિ, શાંતિ ઓમ’નો પણ સમાવેશ હતો. યુએન મહાસભાના 80મા સત્રને સંબોધતા સુબિયાન્તોએ વૈશ્વિક શાંતિ, ન્યાય અને સમાન તકોની હિમાયત કરી.
તેમણે ચેતવણી આપી કે ‘માણસની મૂર્ખતા, જે ભય, જાતિવાદ, નફરત, અત્યાચાર અને રંગભેદથી પ્રેરિત છે, તે આપણા સહિયારા ભવિષ્યને જોખમમાં મૂકી રહી છે.’ તેમણે પોતાના 19 મિનિટના ભાષણનો અંત સંસ્કૃત મંત્ર ‘ઓમ શાંતિ, શાંતિ ઓમ’ સાથે કર્યો, જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સુમેળનો સંદેશ આપે છે.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ બે-રાષ્ટ્ર સમાધાન પ્રત્યે ઇન્ડોનેશિયાના સંપૂર્ણ સમર્થનને ફરીથી વ્યક્ત કર્યું અને કહ્યું કે પેલેસ્ટાઈન અને ઇઝરાયેલ બંને સ્વતંત્ર, સુરક્ષિત અને આતંકવાદના જોખમથી મુક્ત હોવા જોઈએ. ગાઝામાં વિનાશકારી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા, જ્યાં નિર્દોષ લોકો મદદ માટે આજીજી કરી રહ્યા છે, તેમણે કહ્યું, ‘રાષ્ટ્રોના આ સમુદાયે આ વિનાશને રોકવા માટે નિર્ણાયક વલણ અપનાવવું પડશે, નહીં તો વિશ્વ અનંત યુદ્ધો અને વધતી હિંસાના ખતરનાક તબક્કામાં પ્રવેશ કરશે.’ પોતાના ભાષણના અંતે, તેમણે વિવિધ ધાર્મિક અભિવાદન ‘અસ્સલામુઅલૈકુમ વારહમતુલ્લાહિ વબરકાતુહ, શાલોમ, સાલ્વે, ઓમ શાંતિ શાંતિ શાંતિ ઓમ’ સાથે સૌને શાંતિનો સંદેશ આપ્યો.
આ પહેલા, સુબિયાન્તોએ ભારપૂર્વક કહ્યું કે કોઈપણ રાજકીય સંઘર્ષનો જવાબ હિંસાથી આપી શકાતો નથી, કારણ કે હિંસા ફક્ત વધુ હિંસાને જન્મ આપે છે. એકમાત્ર સમાધાન એ છે કે અબ્રાહમના બે વંશજ, બે રાષ્ટ્ર, સમાધાન, શાંતિ અને સુમેળમાં એકસાથે રહે. અરબ, યહૂદી, મુસ્લિમ અને ખ્રિસ્તી એકસાથે રહે. ઇન્ડોનેશિયા આ દૃષ્ટિકોણને વાસ્તવિકતા બનાવવા માટે ભાગ લેવા પ્રતિબદ્ધ છે. તેમણે તમામ દેશોને આ ઉમદા લક્ષ્યની દિશામાં કામ કરવા માટે હાકલ કરી.
રાષ્ટ્રપતિ સુબિયાન્તોએ બુધવારે જાહેરાત કરી કે ઇન્ડોનેશિયા ‘શાંતિ માટે 20,000 કે તેથી વધુ સૈનિકોને ગાઝા અથવા પેલેસ્ટાઈનના અન્ય વિસ્તારોમાં તૈનાત કરવા તૈયાર છે. ઇન્ડોનેશિયા આજે સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા દળોમાં સૌથી મોટા યોગદાનકર્તાઓમાંનો એક છે. અમે માત્ર શબ્દોથી નહીં, પરંતુ જમીની સ્તર પર કાર્યવાહી સાથે શાંતિની રક્ષા માટે સેવા આપવાનું ચાલુ રાખીશું.’